International

45 ભારતીયોના મોત થયા હતા, કુવૈત સરકાર મૃતકોના પરિવારજનોને 12.5 લાખ રૂપિયાનું વળતર આપશે

​​​​​​કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગના સંબંધમાં સત્તાવાળાઓએ 3 ભારતીયો, 4 ઇજિપ્તવાસીઓ અને 1 કુવૈતીની ધરપકડ કરી છે. 12 જૂનના રોજ વહેલી સવારે 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં કુલ 50 લોકોના મોત થયા હતા, જેમાંથી 45 ભારતીય હતા.

આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા. અરબ ટાઈમ્સના અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા 8 લોકોને 2 અઠવાડિયાના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તેની સામે બેદરકારી અને હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે બુધવારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારોને 1.25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. કુવૈત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રુપિયા વિદેશી શ્નમીકોના દૂતાવાસને આપવામાં આવશે, જ્યાંથી તેઓ તેમના પરિવારો સુધી પહોંચશે. મૃત્યુ પામેલા લોકોમાં ભારત ઉપરાંત ફિલિપાઈન્સના નાગરિકો પણ હતા.

સવારે 4:30 વાગ્યે આગ લાગી, લોકોએ બારીમાંથી કૂદકો માર્યો

કુવૈતે આ મામલાની તપાસ માટે એક ટીમ પણ બનાવી છે. તેને આગ લાગવાનું કારણ શોધવાની કામગીરી સોંપવામાં આવી છે. આ દુર્ઘટના બુધવારે (12 જૂન) કુવૈતના સમય અનુસાર સવારે 4.30 વાગ્યે થઈ હતી. કુવૈતી ફાયર ફોર્સના જણાવ્યા અનુસાર આગ ઇલેક્ટ્રિકલ સર્કિટના કારણે લાગી હતી. તે સમયે તમામ શ્રમીકો સૂતા હતા.

આગને કારણે મચેલી નાસભાગ વચ્ચે ઘણા લોકો ગભરાઈને ઈમારતની બારીમાંથી કૂદી પડ્યા હતા. ઘણા લોકો બિલ્ડીંગની અંદર ફસાયા હતા અને ધુમાડામાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. કુવૈતી મીડિયા અનુસાર, આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની NBTC ગ્રુપ દ્વારા ભાડે લેવામાં આવી હતી.