ગયાનામાં કેરેબિયન દેશ ડોમિનિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ધ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને એવોર્ડ આપ્યો હતો. પીએમ મોદીને કોવિડ-19 મહામારી દરમિયાન ડોમિનિકામાં વેક્સિન પહોંચાડવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે આ એવોર્ડ તમામ ભારતીયોને સમર્પિત કર્યો છે.
આ સિવાય ગુયાનાની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કેરેબિયન દેશોના પ્રતિનિધિઓ સાથે બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં પણ ભાગ લીધો હતો.
શિખર સંમેલનમાં, વડાપ્રધાને કેરેબિયન દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન ઉપરાંત પીએમ મોદીએ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટ અને સુરીનામના રાષ્ટ્રપતિ ચાન સંતોખી સાથે પણ વાતચીત કરી હતી.
ગયાનામાં તેમનું સ્વાગત કરવા બદલ મોદીએ રાષ્ટ્રપતિ ઈરફાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈરફાનનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેઓ ભારતીય સમુદાયના બ્રાન્ડ એમ્બેસેડર છે.
પીએમએ કહ્યું કે તેઓ લગભગ 24 વર્ષ પછી ગયાનાની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ સામાન્ય માણસ તરીકે અંગત મુલાકાત માટે ગયાના આવ્યા હતા. 56 વર્ષ પછી કોઈ ભારતીય પીએમની ગુયાનાની આ મુલાકાત છે.
તેમના સંબોધનમાં પીએમ મોદીના મહત્વના મુદ્દાઃ-
- ગયાનાના લોકોના કૌશલ્ય વિકાસમાં ભારતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે આ સહકારને આગળ વધારીશું.
- ભારત શિષ્યવૃત્તિ અને તાલીમ દ્વારા ગયાનાના સૈનિકોની ક્ષમતા વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
- ગયા વર્ષે, અમે મિલેટ્સ આપીને ખાદ્ય સુરક્ષામાં ફાળો આપ્યો હતો. હવે અમે અન્ય પાકની ખેતીમાં પણ મદદ કરીશું.
- બંને દેશોની કૃષિ સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- ભારત ગયાનામાં જન ઔષધિ કેન્દ્ર ખોલશે.
- G20 સમિટમાં ભાગ લીધા બાદ મોદી ગયાના પહોંચ્યા હતા
-
આ પહેલા પીએમ મોદી બ્રાઝિલમાં જી-20 સમિટની બેઠક બાદ બુધવારે સવારે ગયાના પહોંચ્યા હતા. રાજધાની જ્યોર્જટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અને વડાપ્રધાન એન્ટની ફિલિપ્સ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. તેમની સાથે લગભગ એક ડઝન કેબિનેટ મંત્રીઓએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
ગયાનામાં પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ’થી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય બાર્બાડોસ તેમને ‘ઓનરરી એવોર્ડ ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’થી પણ સન્માનિત કરશે.