International

ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હિજાબ સૌથી મોટો મુદ્દો, ઉમેદવારો કડક કાર્યવાહીના વિરોધમાં

ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું ગયા મહિને હૅલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી 28 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ગુરુવારે થનારું મતદાન અનેક રીતે મહત્ત્વનું છે. આ વખતે રાષ્ટ્રપતિની રેસમાં કુલ 6 ઉમેદવાર છે અને તેમાંથી 5 કટ્ટરપંથી અને એક ઉદારવાદી નેતા છે.

આ ચૂંટણીમાં પહેલી વાર ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધ, પ્રેસ સ્વતંત્રતા જેવા નવા મુદ્દા છવાયેલા છે. ચોંકાવનારો ચૂંટણીમુદ્દો હિજાબ કાયદાનો છે.

2022માં ઈરાનમાં હિજાબવિરોધી આંદોલન અને તેના પછી સરકાર દ્વારા તેના દમનને પગલે અનેક મતદારના મનમાં આ સૌથી મોટો મુદ્દો રહ્યો છે. હિજાબ લાંબા સમયથી ધાર્મિક ઓળખનું પ્રતીક રહ્યા છે પરંતુ ઈરાન માટે આ એક રાજનીતિનું શસ્ત્ર પણ છે. 1979માં ઇસ્લામીક ક્રાન્તિ પછીથી ઈરાનમાં જ્યારથી હિજાબનો કાયદો લાગુ થયો હતો.

ઈરાનના 6.1 કરોડ મતદારમાંથી અડધા મહિલા મતદારો છે. શુક્રવારે સામાજિક મુદ્દે લાઇવ ટીવી ડીબેટના 4 કલાકના કાર્યક્રમમાં મોટા ભાગનો સમય મહિલાઓ અને હિજાબનો મુદ્દો જ છવાયેલા રહ્યા હતા. સૌએ કડકાઈથી વિરોધ કર્યો છે.