બ્રિજ પર પડેલા મોટા ભૂવા અને મોટા ખાડા વાહન ચાલકો માટે આફતરૂપ બન્યા.
ગુજરાત અને મધ્ય પ્રદેશ ને જોડતો નેશનલ હાઇવે નં ૫૬ ઉપર આવેલ ચિસાડિયા ખાતેનો રેલ્વે ઓવરબ્રિજ ઉપર આવેલા સ્ટ્રકચર ઉપર ભારે ઉંડા અને મોટા ખાડા પડી ગયા છે. સાથે સાથે સ્ટ્રકચરના સાઈડ ના ભાગે ભૂવો પડેલો પણ જોવા મળી રહ્યો છે જે અંદર સુધી ઉતરેલો હોય જેમાં ફીટ કરેલી લોખંડ ની પ્લેટો પણ દેખાઈ રહી છે જ્યારે વાહન ચાલકો અને રાહદારીઓ બ્રિજ પસાર કરવા અંગે ત્રાહિમામ્ પોકારી ગયા છે. સદર બ્રિજના સ્ટ્રકચર ઉપર પુરાણ કરી રસ્તો વાહન ચાલવા લાયક કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.
છોટા ઉદેપુર થી મધ્ય પ્રદેશ તરફ જતા નજીકમાં ચિસાડિયા ગામ પાસે એક રેલ્વે ફાટક ઉપર ઓવર બ્રિજ થોડા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. જેના ઉપરના ભાગે સ્ટ્રકચરની હાલત દયનીય જોવા મળી રહી છે. રોજના હજારો વાહનોની અવરજવર અને ચોમાસા ના પાણી નો નિકાલ ન થતાં બ્રિજ પર ભારે મોટા ખાડા અને ભૂવા પડી ગયા છે. જેનું પુરાણ કરવામાં ન આવતા આવનારા દિવસોમાં અકસ્માત થવાની સંભાવનાઓ પણ રહેલી છે.
આ અકસ્માતનું સર્જન ન થાય અને ગુજરાત અને મધ્ય પ્રદેશ ના વાહન ચાલકોને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે માટે ખાડા પુરાવવા અને સ્ટ્રકચર ઉપર મરામત કરાવવી આવશ્યક છે પરતું તંત્ર દ્વારા નવા નવા કામો હાથ ધરવામાં આવતા હોય તે સારી બાબત છે પરતું જૂના ખખડધજ થઇ ગયેલા રસ્તાઓ તથા બ્રીજોને પણ ધ્યાનમાં લેવામાં આવે એ ખૂબ જરૂરી છે.
મધ્ય પ્રદેશ માંથી લાખો શ્રદ્ધાળુઓ નવરાત્રી પર્વ નિમિત્તે પગપાળા તથા મોટર સાયકલ અને ખાનગી મોટા વાહનો લઈ મહાન શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શન અર્થે જતાં હોય છે. દેશના નાગરિકોની અતૂટ શ્રદ્ધા આ શક્તિપીઠ સાથે જોડાયેલી હોય જે અંતર્ગત મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ માં કાલિકા ના દર્શનાર્થે જાય છે જેનો મુખ્યમાર્ગ ઉપર ચિસાડિયા ખાતે ઓવર બ્રિજ આ રીતે ખરાબ હાલતમાં હોય જેથી અવર જવર કરવામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને રાત્રિના સમયે અકસ્માત નો ડર રહે છે. જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા બ્રીજનું સમારકામ કરાવવું આવશ્યક છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બાબતે પૂરતું ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

