-: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :-
– ઋષિમુનીઓ, સંતો-મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે
– વડીલો અને દીનદુઃખિયાની નિસ્વાર્થ સેવા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ
– પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષોનું જતન તથા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે
– પ્રકૃતિનું જતન કરવું એ જ સાચી ભક્તિ છે
વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ નિરાધાર વૃદ્ધો માટે કામગીરી કરતા સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને બિરદાવી

રાજકોટ, તા. ૨૪ નવેમ્બર: રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના ભવ્ય વારસાને યાદ કરી ઉદબોધન કરતા જણાવ્યું કે, ઋષિમુનીઓ, સંતો મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને થયેલા અનેક વિદેશી આક્રમણો બાદ પણ આપણી આ ભવ્ય વિરાસત અકબંધ રહી છે અને વિશ્વ ગુરુ તરીકે ભારત દેશે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો રાહ દર્શાવ્યો છે, જેને પૂ. મોરારી બાપુ જેવા સંતો આજે આગળ ધપાવી રહ્યા છે.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, વાલ્મીકિ રચિત રામાયણનું દરેક પ્રકરણ પ્રેરણાસ્ત્રોત સમાન છે. ભગવાન રામનું જીવન મર્યાદા અને આદર્શના ગુણોને પ્રસ્તુત કરે છે. શ્રી રામનું જીવન આપણી સમક્ષ એક આદર્શ રાજા, પુત્ર અને ભાઈનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. ભારતીય મૂલ્યો, સદગુણો, આચાર અને વિચારના આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના સદગુણોને લાખો કરોડો લોકોમાં સિંચન કરવાનું કામ પૂજ્ય મોરારીબાપુ રામકથા દ્વારા કરી રહ્યા હોવાનું પણ રાજ્યપાલશ્રીએ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું.

સમગ્ર વિશ્વ માટે વિકરાળ સમસ્યા બનેલા ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિથી ચિંતિત છે ત્યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દેશભરમાં લાખો વૃક્ષોનું વાવેતર અને જતન થઈ રહ્યું છે. આજે પર્યાવરણનું સ્વાસ્થ્ય બગડ્યું છે ત્યારે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમના આગામી સમયમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના તથા તેનું જતન કરવાના સંકલ્પને વધાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું એ જ સાચી ભક્તિ છે. આજે રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે ત્યારે પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષોનું જતન તથા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ સદ્દભાવના વૃદ્ધાશ્રમના પર્યાવરણ જતનના કાર્યને બિરદાવ્યું હતું.

વૃક્ષોનું બે વર્ષ યોગ્ય જતન કરી આપણે આવનારી વિરાસતને બચાવી શકીશું તેવો ભાવ શ્રી દેવવ્રતજીએ વ્યક્ત કર્યો હતો. માતૃદેવો.. પિતૃદેવો ભવ.. ઉક્તિને યાદ કરી નિરાધાર અને અશક્ત વૃદ્ધ લોકોને પ્રેમભર્યો આશ્રય આપીને સદભાવના ટ્રસ્ટ સાચા અર્થમાં ધર્મનું કામ કરી રહ્યું છે અને વડીલ વંદના થકી જ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ શક્ય હોવાનું તેઓએ વંદન સાથે કહ્યું હતું. આ તકે તેમણે પર્યાવરણ બચાવ અને વડીલોની સેવા સુશ્રુષા અર્થે સેવારત સદ્દભાવના વૃદ્ધાશ્રમના પ્રણેતા શ્રી વિજયભાઈ ડોબરિયાની કામગીરીની સરાહના કરી લોકોને તેમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સ્થિત સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોર્સ ખાતે પૂ. મોરારી બાપુના વ્યાસાસને સદભાવના માનસ ‘રામ કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આર્ષ વિદ્યામંદિરના પ્રણેતા શ્રી પરમાત્માનંદજીએ રામકથાના આયોજનની રૂપરેખા પુરી પાડી સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વડીલ વંદના માટે આગામી સમયમાં સમર્પિત બની કામ કરશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ તકે રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમના દાતાઓનું રાજ્યપાલશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં મેયર શ્રી નયનાબેન પેઢડિયા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, કલેકટર શ્રી પ્રભવ જોશી, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, શ્રી ચાંદની પરમાર, સંતો મહંતો શ્રી આચાર્ય ડો. લોકેશ સ્વામી, સ્વામી કારશાણી ગુરુ શરમાનંદજી મહારાજ, પાળીયાદના શ્રી નિર્મળા બા તથા ભયલુ બાપુ, સાધવી શ્રી ધ્યાનાનંદજી, અગ્રણીઓ સર્વે શ્રી ધનસુખભાઇ ભંડેરી, ડો. વલ્લભભાઈ કથીરિયા, ડી.સી પી. શ્રી જગદીશ બાંગરવા, સહીત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યો હતો.

