National

અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

“વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત”

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે.

આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજયભરમાં આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સુશોભન કરવામાં આવ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મંદિર પરિસર આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે.

નવરાત્રિના પાવન પર્વે અંબાજી મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં મંદિર ખાતે કરવામાં આવેલી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી દિવ્યતાનો અહેસાસ થઈ રહ્યો છે.

તેવી જ રીતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટ ખાતે તથા વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ધરતીકંપના પીડિતોને સમર્પિત એવા ભુજના સ્મૃતિવન સ્મારક અને મ્યુઝિયમની ઇમારતને પણ રોશનીથી શણગારવામાં આવી છે. અહી કરવામાં આવેલી સુંદર અને અદભૂત રોશની, મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.