શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા..
નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના આઠમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના આઠમા સ્વરૂપ ર્માં મહાગૌરી દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. સ્ત્રીના માટે તેનું કુટુંબ જ તેના માટે સંસાર હોય છે.સંસાર ઉપર ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.
ર્માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે.તેમનો વર્ણ પૂર્ણતઃ ગોરો છે.આ ગૌરતાની ઉપમા શંખ-ચંદ્ર અને કસ્તુરી મોગરાના ફુલ સાથે કરવામાં આવે છે.તેમનું આયુષ્ય આઠ વર્ષનું માનવામાં આવે છે “અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.” તેમના તમામ વસ્ત્રો અને આભૂષણ વગેરે શ્વેત છે એટલે “શ્વેતાંબરધરા” તરીકે પણ ઓળખાય છે.તેમને ચાર હાથ છે.તેમનું વાહન વૃષભ છે તેથી તેમને વૃષારૂઢ તરીકે ઓળખાય છે. દૈવી મહાગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે છે.
જમણી બાજુનો ઉપર તરફનો હાથ અભય મુદ્રામાં અને નીચે તરફના હાથમાં ત્રિશૂળ છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ડમરૂ અને નીચે તરફનો હાથ વરમુદ્રામાં છે.તેમની મુદ્રા અત્યંત શાંત છે.પોતાના પાર્વતીરૂપમાં તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘણી જ કઠોર તપસ્યા કરી હતી.
ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમને ભગવાન શિવને વરવા માટે કઠોર સંકલ્પ લીધો હતો..
જન્મ કોટિ લગિ રગર હમારી, બરઉં શંભુ ન ત રહઉં ર્કુંઆરી..
આ કઠોર તપસ્યાના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું.તેમની તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું ત્યારે તે વિદ્યુત-પ્રભા સમાન અત્યંત ક્રાંતિમાન ગૌર બની ગયું હતું ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું હતું.મહાગૌરીનું વ્રત નવરાત્રીમાં આસો સુદ આઠમના દિવસે કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.
દુર્ગાપૂજાના આઠમા દિવસે દેવી મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે.તેમની શક્તિ અમોઘ અને તરત જ ફળ આપનારી છે.તેમની ઉપાસનાથી ભક્તોના તમામ પાપો ધોવાઇ જાય છે.તેમનાં પૂર્વનાં સંચિત પાપો નષ્ટ થઇ જાય છે.ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુઃખ ક્યારેય તેમની પાસે આવતાં નથી. ગ્રહદોષ દૂર થાય છે.તે તમામ પ્રકારથી પવિત્ર અને અક્ષય પુણ્યોનો અધિકારી બની જાય છે.તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે, ભય-નિરાશા અને ચિંતા દૂર થાય છે.જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ મળવાથી સાધકનું મન કર્તવ્ય-માર્ગથી વિચલિત થતું નથી.
મહાગૌરી માતાજીનું ધ્યાન-સ્મરણ, પૂજન-આરાધના ભક્તોના માટે કલ્યાણકારી છે.અમારે હંમેશાં તેમનું ધ્યાન કરવું જોઇએ.તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.મનથી અનન્યભાવ અને એકનિષ્ઠાથી મનુષ્યએ હંમેશાં તેમના ચરણારવિંદોનું ધ્યાન કરવાથી તે ભક્તોના કષ્ટ દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે એટલે તેમના ચરણોની શરણ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ.પુરાણોમાં તેમની મહિમાનું પ્રચુર આખ્યાન કરવામાં આવ્યું છે તેનું પઠન-શ્રવણ કરવું જોઇએ.ર્માં મહાગૌરી મનુષ્યોની વૃત્તિઓને સત્યની તરફ પ્રેરીત કરીને અસતનો વિનાશ કરે છે. અમારે પ્રપત્તિભાવ(શક્તિના શરણે જવાના ભાવ)થી હંમેશાં તેમની શરણાગતિ સ્વીકારવી જોઇએ..
નીચેનો મંત્ર બોલી તેમની સ્તુતિ કરવામાં આવે છે..
યા દેવી સર્વભૂતેષુ ર્માં મહાગૌરી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
આ દિવસે માતા દુર્ગાને નારીયળનો ભોગ લગાવવો જોઇએ.આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ.જે સાર્વત્રિક પ્રેમ-કરૂણા અને દયાનું પ્રતિક છે.
આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી