ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને વિશ્વ ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક પહેલા ચાર દેશોમાં ટ્રેનિંગ કરશે. રમતગમત મંત્રાલયે નીરજના કોચ ક્લાઉસ બાર્ટોનિટ્ઝ અને ફિઝિયો ઈશાન મારવાહ સાથે યુરોપમાં 60 દિવસની ટ્રેનિંગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેની સાથે કુસ્તીબાજ વિનેશ ફોગાટ, લાંબા જમ્પર શૈલી સિંહ અને ભારતીય શૂટર્સ વિદેશમાં ઓલિમ્પિકની તૈયારી કરશે.
નીરજ માંસપેશીઓની સમસ્યાથી પરેશાન
ઓલિમ્પિકના બે મહિના પહેલાં નીરજ સ્નાયુઓની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આ જાણકારી તેણે થોડા દિવસો પહેલાં ઈન્સ્ટાગ્રામ પર આપી હતી.
નીરજે લખ્યું હતું કે- ‘થ્રોઇંગ સેશનમાં ભાગ લીધા બાદ મેં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. મને પહેલા પણ આ સમસ્યા થઈ છે. જો હું આ તબક્કે મારી જાતને દબાણ કરું તો તે ઈજામાં પરિણમી શકે છે. હું સ્પષ્ટ કહું છું કે હું ઈજાગ્રસ્ત નથી, પરંતુ હું ઓલિમ્પિક પહેલાં કોઈ જોખમ લેવા માગતો નથી.’