ડી ગુકેશ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં તેણે એવી સિદ્ધિ મેળવી છે કે રમત જગતમાં દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહી છે. ગુકેશે થોડા દિવસ પહેલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. હવે તેની ઈનામી રકમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ ગયા ગુરુવારે અગાઉના ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવીને નવો ચેમ્પિયન બન્યો હતો. તે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. વિશ્વનાથન આનંદ પછી આ ખિતાબ જીતનાર ગુકેશ બીજાે ભારતીય છે.
ચેમ્પિયન બનવા પર ગુકેશને બમ્પર પ્રાઈઝ મની મળી છે. જાે કે હવે સમાચાર આવ્યા છે કે તેની ઈનામની રકમ ઘટાડીને અડધી કરી દેવામાં આવશે. વાસ્તવમાં, સરકાર તેની ઈનામની રકમમાંથી ૪૨.૫ ટકા ટેક્સ તરીકે લેશે. ડી ગુકેશને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા બદલ ૧૩ લાખ ડોલર એટલે કે લગભગ ૧૧.૦૩ કરોડ રૂપિયા મળ્યા છે. હવે આમાંથી લગભગ ૫ કરોડ રૂપિયા કપાશે. રિપોર્ટ અનુસાર, ગુકેશની ઈનામની રકમમાંથી લગભગ ૪.૬૭ કરોડ રૂપિયા ટેક્સ તરીકે કાપવામાં આવશે. તેઓએ આ રકમ સરકારને આપવી પડશે.
તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ખેલાડીને સરકાર અથવા તે સ્પોર્ટ્સ એસોસિએશન તરફથી કોઈ પૈસા મળે છે, તો તેણે તેના પર ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ સરકાર ટૂર્નામેન્ટ જીત્યા પછી ખેલાડીને મળેલી ઈનામની રકમ પર ટેક્સ વસૂલે છે. તેથી, ગુકેશને ચેમ્પિયનશિપ જીતવા બદલ મળેલી ઈનામની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે.
ડી ગુકેશનો જન્મ ૨૯ મે ૨૦૦૬ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો. તેમના પિતાનું નામ રજનીકાંત છે, જેઓ વ્યવસાયે નાક, કાન અને ગળાના નિષ્ણાત ડૉક્ટર છે. તેમની માતા પદ્મા પણ વ્યવસાયે ડૉક્ટર છે અને તેમની વિશેષતાનું ક્ષેત્ર માઇક્રોબાયોલોજી છે. ગુકેશ તેલુગુ ભાષી પરિવારનો છે અને તેણે માત્ર ૭ વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. ડી ગુકેશને ચેસનો રાજા બનાવવા પિતા રજનીકાંતે નોકરી છોડી દીધી હતી.
પછી તેની માતાએ ઘરની જવાબદારીઓ ઉપાડી લીધી. ડી ગુકેશે માત્ર ૯ વર્ષની ઉંમરે તેની પ્રથમ ચેમ્પિયનશિપ જીતી હતી. માત્ર ૯ વર્ષની ઉંમરે તેણે અંડર-૯ એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્રણ વર્ષ પછી, તેણે અંડર-૧૨ સ્તરે વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ જીતી. ૧૨ વર્ષની ઉંમરે, તેણે ૨૦૧૮ એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં એક, બે નહીં પરંતુ ૫ ગોલ્ડ મેડલ જીત્યા.
માર્ચ ૨૦૧૭ માં ઇન્ટરનેશનલ માસ્ટર ટુર્નામેન્ટ જીતીને, તે ઇતિહાસનો ત્રીજાે સૌથી યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો. ગુકેશ ડીએ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં છેલ્લી વખત ચેસ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર તે સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ૧૮ વર્ષીય ગુકેશ અનુભવી વિશ્વનાથન આનંદ પછી વૈશ્વિક ટાઇટલ જીતનાર બીજાે ભારતીય બન્યો હતો.