Sports

કુવૈત સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી; કોલકાતા સ્ટેડિયમમાંથી રડતો બહાર આવ્યો

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. 39 વર્ષીય છેત્રીએ ગુરુવારે કુવૈત સામે તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે ગોલ રહિત ડ્રો રહી હતી.

છેત્રી કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાંથી હાથ જોડીને રડતો બહાર આવ્યો હતો. અહીં બંને ટીમના ખેલાડીઓએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

આ ડ્રો મેચે ફિફા ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચવાની ભારતની આશાઓને ફટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયાને આગામી મેચ કતાર સામે રમવાની છે.

છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ભારતનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે તેની 19 વર્ષની કારકિર્દીમાં 94 ગોલ કર્યા છે. સૌથી વધુ ગોલ કરનાર વિશ્વના સક્રિય ફૂટબોલરોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે.

સુનીલ છેત્રી રમત પ્રત્યેના તેમના જુસ્સાને જગાડવા માટે મોહન બાગાનના કોચ સુબ્રત ભટ્ટાચાર્યને શ્રેય આપે છે.

સ્ટેડિયમમાં છેત્રી-છેત્રીના નારા ગુંજી ઉઠ્યા

ભારતીય કેપ્ટન તેની છેલ્લી મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહોતો. આમ છતાં સ્ટેડિયમ છેત્રી-છેત્રીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. મેચ બાદ છેત્રીની વિદાય સમયે ભારત અને કુવૈતના ખેલાડીઓએ ઉભા થઈને તાળીઓ પાડી હતી.

છેત્રી વિશ્વનો ત્રીજો સૌથી વધુ એક્ટિવ ગોલ સ્કોરર

ભારતીય ટીમ માટે છેત્રીના નામે 94 ગોલ છે. તે એક્ટિવ ખેલાડી છે જેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે.