Sports

ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી

ઓસ્ટ્રેલિયામાં, સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં ભારતે ૨૧૮ રનની લીડ મેળવી લીધી

ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે, ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં ૨૧૮ રનની લીડ મેળવી લીધી છે. પહેલી ઈનિંગ્સમાં ૧૫૦ રન પર ઓલઆઉટ થનાર ટીમ ઈન્ડિયાએ કંગારૂઓને પહેલી ઈનિંગ્સમાં ૧૦૪ રન પર ઓલઆઉટ કરી દીધા હતા. આવી રીતે ભારતે ૪૬ રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ભારતે બીજી ઈનિંગ્સમાં બીજા દિવસે સ્ટંપ્સ સુધી ૧૭૨/૦નો સ્કોર બનાવી લીધો છે. ભારત માટે બીજી ઈનિંગ્સમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે યાદગાર ઈનિંગ્સ રમી છે.

બન્ને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે અણનમ સદીની પાર્ટનરશીપ રમી છે. યશસ્વી ૯૦ અને રાહુલ ૬૨ રન બનાવીને અણનમ છે. બન્નેએ શરૂઆતી વિકેટ માટે અણનમ ૧૭૨ રન બનાવ્યા છે. ભારતીય ઓપનિંગ જાેડીએ ૨૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદીની પાર્ટનરશીપ કરી છે. છેલ્લી વખત વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરાએ ૨૦૦૪માં આવું કારનામું કર્યું હતું. બન્નેએ સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૧૨૩ રનની પાર્ટનરશીપ કરી હતી. દિવસના ત્રણેય સેશન ભારતના નામે રહ્યા હતા. સવારના સેશનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૦૪ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને પ્રથમ ઈનિંગ્સમાં ૪૬ રનની લીડ મેળવી હતી.

બીજું સેશન પણ ભારતના નામે રહ્યું હતું. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને ટી ટાઈમ સુધીમાં એક પણ વિકેટ વિના ભારતના સ્કોરને ૮૪ રન સુધી પહોંચાડી દીધો હતો. ટીમે ત્રીજા સેશનમાં તેની લીડ વધુ આગળ વધાવી હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લા સેશનમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૮૮ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરો વિકેટ માટે તડપતા રહ્યા. આ પહેલા ભારત માટે પ્રથમ ઈનિંગ્સમાં કેપ્ટન જસપ્રીત બુમરાહે પાંચ અને હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલની રમત સાત વિકેટે ૬૭ રનથી આગળ શરૂ કરી હતી. તેણે શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી અને તેનો સ્કોર નવ વિકેટે ૭૯ રન થઈ ગયો હતો.

ત્યારબાદ બુમરાહે એલેક્સ કેરીને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો. કેરીએ ૨૧ રન બનાવ્યા હતા. બુમરાહની આ પાંચમી વિકેટ હતી. બુમરાહે ગઈ કાલે ચાર વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ નાથન લિયોનને સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ લીધી હતી. પરંતુ આ પછી મિચેલ સ્ટાર્ક અને જાેશ હેઝલવુડે છેલ્લી વિકેટ માટે ૨૫ રનની ભાગીદારી કરી અને યજમાન ટીમને ૧૦૦ને પાર પહોંચાડી હતી. રાણાએ સ્ટાર્કને પંતના હાથે કેચ કરાવ્યો અને ઓસ્ટ્રેલિયાનો દાવ ૧૦૪ રનમાં સમેટાઈ ગયો હચો. સ્ટાર્કે ૧૧૨ બોલમાં ૨૬ રન બનાવ્યા, જે તેની ટીમ માટે સર્વોચ્ચ સ્કોર હતો. હેઝલવુડ સાત રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહે ૧૮ ઓવરમાં ૩૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે ૨૦ રન આપીને બે અને રાણાએ ૪૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.