ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T-20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને 70 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પર પણ કબજો કરી લીધો છે.
એડિનબર્ગમાં રમાયેલી મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. સ્કોટલેન્ડના કેપ્ટન રિચી બેરિંગટને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરતા 4 વિકેટે 196 રન બનાવ્યા હતા. જોશ ઈંગ્લીશ પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તેણે 103 રનની ઇનિંગ રમી હતી.
197 રનને ચેઝ કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બંને ઓપનર 20 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. ટોપ ઓર્ડર બેટ્સમેન બ્રેન્ડન મેકમુલેન 59 રન અને જ્યોર્જ મુન્સે 19 રન સિવાય અન્ય કોઈ બેટર ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નહોતો. આખી ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે 4 વિકેટ ઝડપી હતી.
જોશ ઇંગ્લિસની સૌથી ઝડપી સદી
જોશે ઓસ્ટ્રેલિયા માટે T-20માં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 43 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 103 રનની ઈનિંગમાં 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.
જોશ-કેમરૂને 92 રનની ભાગીદારી કરી
ઓસ્ટ્રેલિયાના પાવર હિટર ટ્રેવિસ હેડને બ્રાડ ક્યુરીએ શૂન્યના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. હેડ અને ગ્રીને ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ મળીને 52 બોલમાં 92 રન જોડ્યા. ગ્રીને 36 રનની ઇનિંગ રમી હતી.
ગ્રીન આઉટ થયા બાદ માર્કસ સ્ટોઇનિસ બેટિંગ કરવા આવ્યો હતો. તેની સાથે જોશે 43 બોલમાં 64 રન જોડ્યા. સ્ટોઇનિસે 20 બોલમાં 20 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ તરફથી બ્રાડ ક્યુરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.