Sports

કેન વિલિયમસને સદી ફટકારીને ઇતિહાસ રચ્યો

ઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે, જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ સેડન પાર્કમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્‌સમેન કેન વિલિયમસને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની ૩૩મી સદી છે. ખાસ વાત એ છે કે, વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના ૧૪૭ વર્ષના ઈતિહાસમાં એક જ મેદાન પર સતત ૫ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સિવાય તે સૌથી ઝડપી ૩૩મી ટેસ્ટ સદી ફટકારનારો ત્રીજાે ખેલાડી બની ગયો છે.

વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે.કેન વિલિયમસને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે વિલિયમસન એક જ મેદાન પર સતત ૫ સદી ફટકારનાર ટોચનો ખેલાડી બની ગયો. વિલિયમસને ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે ૨૦૦ રન, ૨૦૧૯માં ઈંગ્લેન્ડ સામે ૧૦૪ રન, ૨૦૨૦માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૫૧ રન, ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકા સામે અણનમ ૧૩૩ રન અને હવે ૨૦૨૪માં ન્યૂઝીલેન્ડના સેડન પાર્ક મેદાનમાં ઈંગ્લેન્ડ સામે ૧૫૬ રન બનાવ્યા છે. . સેડન પાર્ક ખાતે વિલિયમસનની આ સાતમી ટેસ્ટ સદી છે.

કેન વિલિયમસન સૌથી ઝડપી ૩૩ ટેસ્ટ સદી ફટકારવાના મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. તેના પહેલા રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકર ટોપ ૨ માં છે. વિલિયમસન પછી યુનિસ ખાન અને સ્ટીવ સ્મિથ આવે છે. કેન વિલિયમસને તેની ૧૮૬મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની ૩૩મી ટેસ્ટ સદી પૂરી કરી છે. કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડમાં ૨૦ ટેસ્ટ સદી ફટકારીને હૉમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમના પછી રૉસ ટેલર અને જ્હૉન રાઈટ આવે છે. આ સાથે તેણે ન્યૂઝીલેન્ડમાં તમામ ફોર્મેટમાં ૨૪ સદી ફટકારવાનો રેકોર્ડ પણ રૉસ ટેલર સાથે શેર કર્યો છે.