Sports

મનીષા-નિત્યા બેડમિન્ટનમાં સેમિફાઈનલમાં પહોંચી, બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રીતિ પાલ એક્શનમાં રહેશે

પેરિસ પેરાલિમ્પિક્સના ચોથા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 10 મીટર મિક્સ્ડ એર રાઈફલમાં અવની લેખારા અને સિદ્ધાર્થ બાબુ ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. અવની 632.8 સાથે 11મા અને સિદ્ધાર્થ 628.3 સાથે 28મા ક્રમે રહ્યા હતા. અવનીએ બે દિવસ પહેલા મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરા બેડમિન્ટન: મનીષા રામદાસ સેમિફાઈનલમાં

પેરા બેડમિન્ટનમાં ભારતની મનીષા અને નિત્યાએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મનીષા રામદાસે શાનદાર પ્રદર્શન કર્યું અને જાપાનની મામીકો ટોયોડાને 21-13 અને 21-16થી હરાવ્યો. વુમન્સ સિંગલ્સની SH-6 ક્વાર્ટર ફાઈનલમાં, નિત્યા શ્રી સિવને પોલેન્ડની ઓલિવિયા સિઝ્મઝિએલને 21-4, 21-7થી પરાજય આપ્યો હતો.

પેરા રોઈંગ: નારાયણ કોંગનાપલ્લે અને અનિતાની જોડી બીજા ક્રમે રહી

પેરા રોઈંગની રેન્કિંગ ઈવેન્ટમાં ભારત ફાઈનલ બીમાં બીજા ક્રમે રહ્યું હતું. નારાયણ કોંગનાપલ્લે અને અનિતાની ભારતીય જોડીએ 8:16.96નો સમય લીધો હતો.

પેરા શોટ પુટઃ રવિ રોંગાલી પાંચમા ક્રમે રહ્યો

રવિ રોંગાલી મેન્સ શોટ પુટ F40 ફાઈનલમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. તેણે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 10 મીટરનો થ્રો કર્યો હતો. ફાઈનલ દરમિયાન, રોંગાલીએ 10.63 મીટરનું પર્સનલ બેસ્ટ થ્રો કર્યો હતો.

પેરા શૂટિંગ: અવની-સિદ્ધાર્થ મિક્સ્ડ ઇવેન્ટમાંથી બહાર

પેરા શૂટિંગની 10 મીટર એર રાઈફલની મિક્સ્ડ ઈવેન્ટમાં સિદ્ધાર્થ અને અવનીની જોડી ફાઈનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી. આ ઉપરાંત શ્રીહર્ષ દેવરેડ્ડી રામકૃષ્ણ પણ 10 મીટર એર રાઈફલ પ્રોન SH-2 ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. તે 630.2ના સ્કોર સાથે 26મા સ્થાને રહ્યો.

આજે રેસર પ્રીતિ પાલ મહિલાઓની 200 મીટર સ્પર્ધામાં ભાગ લેશે. પ્રીતિએ મહિલાઓની 100 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના સુકાંત કદમ પેરા બેડમિન્ટનની સેમિફાઈનલમાં દેશબંધુ સુહાસ એલવાય સામે રમશે. મેન્સ સિંગલ્સ SL-4 સેમિફાઈનલમાં આ મેચ બાદ ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત થઈ જશે.