Sports

ન્યૂયોર્કની ખરાબ પિચ મોટું ફેક્ટર બની, હવે ICC ડેટા તપાસી રહી છે

ન્યૂયોર્કમાં 9 જૂને ટી-20 વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચમાં ‘ખરાબ’ પિચ સૌથી મોટું ફેક્ટર બની ગઈ છે. ન્યૂયોર્કની ડ્રોપ-ઇન પિચ પર 5 જૂને રમાયેલી ભારત-આયરલેન્ડ મેચમાં અસામાન્ય ઉછાળ અને રોહિત શર્મા જેવા નામી ખેલાડી ઈજાગ્રસ્ત થવાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.

યૂએસએ ક્રિકેટ એસોસિએશનના સૂત્રો અનુસાર, આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) પિચનો ડેટા તપાસી રહી છે. તેમાં પિચના બાઉન્સ અને ટર્નનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

જોકે, આઇસીસીએ હાલ ભારત-પાક મેચનું વેન્યૂ બદલવાની આશંકાથી ઇન્કાર કર્યો છે. આ દરમિયાન, પાકિસ્તાનની વિરુદ્ધ ન્યૂયોર્કમાં રમાનારી મેચને દોઢ ગણા ભારતીય દર્શકો નિહાળશે.

ભારતની તમામ મેચ હાઉસફૂલ, લોકોએ અનેકગણા ભાવે ટિકિટો ખરીદી લીધી

અમેરિકામાં ભારતની 4 મેચ છે. 5 જૂને ન્યૂયોર્કમાં ભારત-આયરલેન્ડ મેચ 34 હજાર દર્શકોની ફુલ કેપિસિટી સાથે રમાઈ. ન્યૂયોર્કમાં 9 જૂને ભારત-પાક મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. ભારતીય ફેન્સે બોલી લગાવીને અનેક ગણા ભાવે ટિકિટ ખરીદી છે. 12 જૂને આ સ્ટેડિયમ પર ભારત-અમેરિકા મેચ અને 15 જૂને ફ્લોરિડાની 40 હજાર ટિકિટ વેચાઈ ચૂકી છે. ભારતની તમામ મેચ હાઉસફુલ રહેશે.