Sports

વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં સ્ટોપ ક્લોકનો નિયમ, મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪થી કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે : આઈસીસી

વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં સ્ટોપ ક્લોકનો નિયમ, જે હાલમાં કામચલાઉ ધોરણે અમલમાં છે તેને મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪થી કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે તેમ આઈસીસીએ શુક્રવારે જણાવ્યું છે. આઈસીસી દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ સ્ટોપ ક્લોકનો નિયમ સૌપ્રથમ અમલમાં મૂકવામાં આવ્યો હતો અને હવે આઈસીસીના પૂર્ણ સભ્ય દેશો માટે તમામ વન-ડે અને ટી૨૦ મેચમાં તેનો કાયમી અમલ કરવામાં આવશે. આઈસીસીએ વાર્ષિક બોર્ડ બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૪થી તમામ વન-ડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સ્ટોપ ક્લોપનો નિમય અમલમાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપથી તેનો સત્તાવાર અમલ શરૂ કરાશે. સ્ટોપ ક્લોપ નિમયની ટ્રાયલ એપ્રિલ ૨૦૨૪ સુધી રાખવાની અપેક્ષા હતી પરંતુ તેના પ્રયોગથી ફળદ્રુપ પરિણામ મળ્યા છે ખાસ કરીને મેચ સમયસર પૂર્ણ થવાની બાબતમાં. સ્ટોપ ક્લોકને લીધે પ્રતિ વન-ડેમાં ૨૦ મિનિટ બચે છે તેમ આઈસીસીએ વધુમાં જણાવ્યું હતું.

સ્ટોપ ક્લોક નિયમ મુજબ ફિલ્ડિંગ કરતી ટીમે આગળની ઓવર પૂર્ણ થયાની ૬૦ સેકન્ડમાં (એક મિનિટ) બીજી ઓવર ફેંકવાની શરૂઆત કરવી પડશે. મેદાન પર ૬૦ સેકન્ડથી શૂન્ય સુધી ગણતરી દર્શાવતી ઘડિયાળ મૂકવામાં આવશે અને થર્ડ અમ્પાયર તેનું સંચાલન કરી શકશે. ફિલ્ડિંગ કરતી ટીમને નિર્ધારિત સમયમાં બીજી ઓવર શરૂ કરવી પડશે. જાે તેમ કરવામાં તે નિષ્ફળ જશે તો તેને બે વખત ચેતવણી મળશે અને ત્રીજી વખત નિયમ ભંગ બદલ પ્રત્યેક ઓવરના વિલંબ બદલ પાંચ રનની પેનલ્ટી ફટકારાશે. આઈસીસીએ નિયમમાં કેટલીક છૂટ પણ આપી છે અને તેવા કિસ્સામાં જાે ઘડિયાળ શરૂ થઈ ગઈ હશે તો તેને રદ્દ કરવામાં આવશે. આ છૂટમાં નવો બેટ્‌સમેન બે ઓવરની વચ્ચે મેદાનમાં ઉતરે છે તે, ડ્રિન્ક્‌સ બ્રેક, બેટ્‌સમેન અથવા ફિલ્ડરને ઈજા થતા મેદાનમાં આપવી પડતી સારવારનો સમવાશે કરાયો છે. આઈસીસીએ બેઠકમાં ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચો (૨૭ જૂન) અને ફાઈનલ (૨૯ જૂન)માં રિઝર્વ ડે રાખવા માચે મંજૂરી આપવા આવી છે.