Entertainment

723 કારીગરોએ તેલંગણાના પરંપરાગત વણાટવાળા 242 કૉસ્ચ્યુમ તૈયાર કર્યાં

‘મિસ વર્લ્ડ’ 2025ની ફાઇનલ 31 મેના રોજ હૈદરાબાદમાં યોજાશે. ભારતમાં યોજાનારી આ ફાઇનલમાં દરેક સ્પર્ધક તેલંગણાના પરંપરાગત વણાટવાળા વસ્ત્રો પહેરશે, જે 723 ખાસ કારીગરોએ તૈયાર કર્યા છે. આ કોસ્ચ્યુમની ખાસ વાત એ છે કે, તેને સાચા મોતી જડેલા સોનાના તારથી બનાવવામાં આવ્યા છે.

‘મિસ વર્લ્ડ’ના ઑફિશિયલ ડિઝાઇનર અર્ચના કોચરે તમામ સ્પર્ધકો માટે ફાઇલનો ડ્રેસ ડિઝાઇન કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘આ પોશાકો ભારતના શાહી પોશાકની જેમ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

ગ્રાન્ડ ફિનાલેમાં 108 સ્પર્ધકો હાજર રહેશે, જેઓ કુલ 242 ડ્રેસ પહેરશે. આ ભારતીય સાંસ્કૃતિક વારસા અને મહિલા શક્તિને પ્રતિબિંબિત કરશે. આ ફક્ત કપડાં નહીં હોય પરંતુ એક સાંસ્કૃતિક દસ્તાવેજના રૂપમાં હશે. આ ભારતનો વારસો વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે. જોકે, ફાઇનલ ફક્ત ટોચના 40 સ્પર્ધકો વચ્ચે જ યોજાશે. ભારતની નંદિની ગુપ્તા પણ આમાં સામેલ છે.’

બધા કોસ્ચ્યુમને 723 કારીગરોએ પોતાના હાથેથી એક મહિનામાં તૈયાર કર્યા છે. તેલંગાણા પેટર્નની સાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુંબઈમાં 2024ના ‘મિસ વર્લ્ડ’ ઇવેન્ટના ફાઇનલના ડ્રેસ ભારતીય-પશ્ચિમી (ઇન્ડિયન-વેસ્ટર્ન) મિશ્રણના હતા, જે ઝારખંડના અહિંસા સિલ્કમાંથી બનાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે ડ્રેસ તેલંગાણા અને ભારતના બાકીના હેન્ડવર્કને જોડીને તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રાદેશિક વણાટ અને કારીગરી પર કેન્દ્રિત છે. અર્ચનાના મતે, બધા જ ડ્રેસ ઇકો-ફ્રેન્ડલી છે. આ કુદરતી રંગો, સ્થાનિક કાપડ, ઝીરો વેસ્ટ પેટર્ન ડ્રાફ્ટિંગ, નવીન ડ્રેપિંગ શૈલીઓ અને હેન્ડલૂમ તકનીકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે.