કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ડિરેક્ટર નીરજ ઘેયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરાયું હતું. 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને 9 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ધર્મા પ્રોડક્શનની આ સૌથી પહેલી ફિલ્મ છે, જેનું કાનમાં પ્રીમિયર થયું છે.
ફ્રાન્સના કાન શહેરમાં આવેલા ડેબ્યુસી થિયેટરમાં યોજાયેલા ‘હોમબાઉન્ડ’ના પ્રીમિયરમાં ડિરેક્ટર નીરજ ઘેયવાન, પ્રોડ્યૂસર કરણ જોહર, સ્ટાર કાસ્ટ ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર હાજર રહ્યાં હતાં. ફિલ્મ ‘હોમબાઉન્ડ’નું ધ અન સર્ટન રિગાર્ડ સેગ્મેન્ટમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, નીરજ ઘેયવાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘મસાન’નું પણ 2015માં કાનમાં આ જ કેટેગરીમાં પ્રીમિયર થયું હતું. હોલિવૂડના દિગ્ગજ માર્ટિન સ્કોર્સી દ્વારા નિર્મિત ‘હોમબાઉન્ડ’ બે બાળપણના મિત્રો (ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા)ની આસપાસ ફરતી વાર્તા છે.
ઉત્તર ભારતના એક નાનકડાં ગામમાં રહેતા બે બાળપણના મિત્રો પોલીસની નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે, જે તેમના ગૌરવને પાછું મેળવવા માટેનું વચન આપે છે. પરંતુ જેમ જેમ તેઓ પોતાના સ્વપ્નની નજીક પહોંચે છે, તેમ તેમ વધતી જતી નિરાશા તેમને એક સાથે જોડીને રાખતા બોન્ડ પર ખતરો બની જાય છે.

