Entertainment

ગુજરાતી એક્ટ્રેસે ત્રીજી વખત રેડ કાર્પેટ પર હાજરી આપી ગૌરવ વધાર્યું

78મા કાન ફિલ્મ ફેસ્ટિવલનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાનો જલવો દેખાડી દીધો છે. એવામાં કચ્છના ગાંધીધામની અને ગુજરાતી સાથે ‘માય ફાધર ઇકબાલ’ જેવી બોલિવૂડ હિન્દી ફિલ્મમાં એક્ટ્રેસ તરીકેનો લીડ રોલ કરનારી કોમલ ઠક્કર પણ રેડ કાર્પેટ પર હાજરી આપવા માટે પહોંચી હતી. એક્ટ્રેસે રેડ કાર્પેટ પર વોક કરીને કચ્છની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 અને 2023માં પણ કોમલે કાન ફેસ્ટિવલમાં સૌંદર્યના કામણ પાથર્યા હતા.

કાન ફેસ્ટિવલમાં ત્રીજી વખત હાજરી આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું એક્ટ્રેસ આ વર્ષે બ્લૂ કલરના ઓફ સોલ્ડર વેસ્ટર્ન ગાઉનમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી. તેનો આ ડ્રેસ દુબઈના ફેમસ ડિઝાઈનર દ્વારા તૈયાર કરાયો છે. સૌ પ્રથમવાર તેણે વર્ષ 2022માં કાનના રેડ કાર્પેટ પર હાજરી આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ત્યારબાદ 2023માં પણ તેણે આ લેગસી જાળવી રાખી અને કાન ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

ગુજરાતી સિનેમાજગતમાં રિલિજિયસ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરનારી કોમલ અત્યારસુધીમાં 30થી વધારે ફિલ્મો કરી ચૂકી છે અને 5થી વધારે ભાષાઓની જાણકાર છે. કોમલ અત્યારસુધીમાં ગુજરાતી ભાષામાં 20 કરતાં વધારે, પંજાબીમાં 4, રાજસ્થાનીમાં 5, ભોજપુરીમાં 3 અને હિન્દીમાં 2 ફિલ્મ કરી ચૂકી છે. ઉપરાંત 10 હજાર કરતાં વધારે વીડિયો સોંગમાં કામ કર્યું છે.