Entertainment

‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં પોતાના સૌંદર્યની સાથે શાણપણથી મનિકા વિશ્વકર્માએ ભારતનું ગૌરવ વધાર્યું

થાઇલેન્ડમાં ચાલી રહેલી ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં ભારતીય સુંદરી મનિકા વિશ્વકર્માએ ન માત્ર પોતાની સુંદરતાના કામણ પાથરીને લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પણ પ્રેક્ષકો અને વિશ્વભરના લોકોને પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં મનિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેણે જે સમજણથી પ્રશ્નનો જવાબ આપ્યો છે, તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરતા થાકી રહ્યા નથી.

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘ધ પેજન્ટ વોલ્ટ’ પેજ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઇન્ટરવ્યૂઅર પૂછે છે કે, ‘શું તમને લાગે છે કે ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં જોડાવું દરેક યુવતીનું સ્વપ્ન હોય છે, પરંતુ તે માત્ર એક મહિલાની જર્ની છે?’ આ પ્રશ્ન સાંભળીને પહેલા તો મનિકા વિશ્વકર્માએ સંમતિ આપી. પરંતુ બાદમાં તેણે જે કહ્યું, તેણે દરેકને વિચારવા માટે મજબૂર કરી દીધાં.

મનિકાએ બેજ કલર હાઇ હિલ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો.

મનિકા વિશ્વકર્માએ કહ્યું, ‘હું એવું નથી માનતી. હું અહીં ઊભી છું, કારણ કે મારી માતાએ અભ્યાસ કર્યો, તેમણે મને પણ ભણાવી. હું અહીં એટલા માટે છું, કારણ કે ઓડિશન દરમિયાન ઘણી યુવતીઓએ મને કહ્યું કે, મારે આ સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. મારા મિત્રોએ મારો સાથ આપ્યો, તેથી હું તે દરેક મહિલાને મારી સાથે લઈને ચાલી રહી છું. હું મારી સાથે અબજો સપનાઓ લઈને ચાલી રહી છું.’

મનિકાએ વધુમાં ઉમેર્યું, ‘આ માત્ર એક મહિલાનું સપનું કે સફર હોતી નથી પરંતુ અબજો સપનાઓનો ભાર હોય છે, જેને હું મારી સાથે લઈને ચાલી રહી છું. હું મારી કમ્યુનિટી અને આખા દેશની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છું. દરેક દેશમાં ઘણી મહિલાઓ અને નાની-નાની છોકરીઓ છે, જે અમને જોઈને પ્રેરિત થાય છે. તે અમારી સફર જોઈ રહી છે અને કદાચ તેઓ પણ આ રસ્તા પર ચાલવાની હિંમત એકઠી કરી રહી છે.’