બોલિવૂડ રેપર અને સિંગર બાદશાહનો 19 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના ડલ્લાસમાં કર્ટિસ કુલવેલ સેન્ટર ખાતે મ્યુઝિક ટૂર ‘બાદશાહ અનફિનિશ્ડ ટૂર’ યોજાવાનું છે. અહેવાલ છે કે, આ ઇવેન્ટનું આયોજન 3Sixty Shows નામની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો માલિક પાકિસ્તાની નાગરિક છે.
પરિણામે હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ બાદશાહને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે સ્પષ્ટતા માંગી છે કે, શું તે કોન્સર્ટમાં પાકિસ્તાની પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે?
FWICE એ પત્રમાં લખ્યું છે કે, ‘બાદશાહ, અમને માહિતી મળી છે કે, તમે 19 સપ્ટેમ્બર 2025ના રોજ ડલ્લાસ, યુએસએમાં કર્ટિસ કલવેલ સેન્ટર ખાતે ‘બાદશાહ અનફિનિશ્ડ ટૂર’ માં પરફોર્મ કરવાના છો, જેનું આયોજન 3Sixty Shows દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે કથિત રીતે પાકિસ્તાની નાગરિકોની માલિકીની અને સંચાલિત કંપની છે.’
‘જેમ તમે જાણો છો, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિર્દેશો અનુસાર, ભારતીય ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ એક્ટર્સ, કલાકારો અને ટેકનિશિયનોને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ પાકિસ્તાની નાગરિકો અથવા પાકિસ્તાન સાથે સંકળાયેલા કોઈપણ સંગઠન સાથે કોઈપણ પ્રકારનું કામ અથવા કાર્યક્રમ ન કરે. આ પગલાં એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે, સરહદ પારથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ અને દુશ્મન જેવી પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે.