બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ કુન્દ્રા પર ₹60 કરોડની છેતરપિંડીનો આરોપ છે. મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, આર્થિક ગુના શાખા (EOW) એ ખુલાસો કર્યો છે કે, રાજ કુન્દ્રાએ આ કથિત છેતરપિંડીમાં સામેલ કુલ રકમમાંથી આશરે ₹15 કરોડ શિલ્પા શેટ્ટીની કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા.
NDTV અનુસાર, અધિકારીઓ હવે 15 કરોડ રૂપિયાની આ ચુકવણીની તપાસ કરી રહ્યા છે, જેથી આ રકમ કયા હેતુ માટે આપવામાં આવી હતી, તે સમજી શકાય કારણ કે, તેમને શંકા છે કે આ રકમ સામાન્ય જાહેરાત સેવાઓ કરતા ઘણી વધારે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલિંગ અને જાહેરાત ખર્ચ અંગે સ્પષ્ટતા મેળવવા માટે શિલ્પા શેટ્ટીને પૂછપરછ માટે સમન્સ પાઠવવાની યોજના બનાવવામાં આવી રહી છે. કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હજુ પણ બાકી છે, અને કેટલાક ભંડોળ તેમની સાથી કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના પતિ રાજની પણ આ અઠવાડિયાના અંત સુધીમાં ફરીથી પૂછપરછ થવાની ધારણા છે.