ગયા વર્ષે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયો હતો. તેના થોડા સમય પછી, એક્ટરે પોતાના ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ લગાવ્યો હતો. હવે તાજેતરમાં સલમાને જણાવ્યું છે કે તેણે ધમકીઓના ડરથી નહીં પરંતુ ચાહકોની વારંવાર મુલાકાતોથી પરેશાન હોવાથી બાલ્કની સુરક્ષિત કરી છે. તાજેતરમાં સલમાન ખાન ISRL (ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ) સીઝન 2 નું અનાવરણ કરવા આવ્યો હતો.
આ દરમિયાન, જ્યારે તેને કહેવામાં આવ્યું કે દર વખતે સલમાન ખાન ઈદના પ્રસંગે ચાહકોને મળવા બાલ્કનીમાં આવતો હતો, પરંતુ આ વર્ષે એવું નહોતું કારણ કે એક્ટરે બુલેટપ્રૂફ કાચ પાછળ ઊભા રહીને ચાહકોને મળ્યો હતો.
આના પર એક્ટરે કહ્યું, ‘આ કોઈ અન્ય કારણોસર લગાવવામાં આવ્યું નથી. પરંતુ સુરક્ષા માટે અમારે આવું કરવું પડ્યું, કારણ કે ઘણી વખત અમને ચાહકો બાલ્કનીમાં સૂતા જોવા મળ્યા છે. તે લોકો ઉપર ચઢીને બાલ્કનીમાં આવતા અને સૂઈ જતા, તેથી અમારે તેને કવર કરવું પડ્યું.’

