સુરત જિલ્લાના નવાપુરા પાટિયા પાસે શનિવારની મોડી રાત્રે એક યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતક અવધેશ રામરાજ (ઉંમર 29, મૂળ વતની ઉત્તર પ્રદેશ) ને બાઈક ચલાવવા અંગેની સામાન્ય ટકોર ભારે પડી હતી.
ઘટના મુજબ, નવાપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલા અવધેશે બે બાઈક સવારોને તેમની રાઈડિંગ સ્ટાઈલ અંગે ટકોર કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા બંને યુવકોએ અવધેશને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કોસંબા, કીમ, એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
નજીકના કોમ્પ્લેક્સના CCTV ફૂટેજ અને એક વાહન ચાલકની મદદથી પોલીસે તપાસ શરૂ કરી હતી. કીમ પોલીસે સતર્કતા દાખવીને શંકાસ્પદ મોટરસાઈકલ પર જતા બે યુવકોને અટકાવ્યા હતા. આકરી પૂછપરછમાં બંને આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી. આરોપીઓની ઓળખ કીમ ગામના આસિયાના નગરના રહેવાસી અક્ષય પરમાર અને સુજલ પવાર તરીકે થઈ હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી, હત્યામાં વપરાયેલું ચપ્પુ અને બાઈક કબજે કર્યા હતા. હાલમાં બંને આરોપીઓને સુરત જિલ્લાની મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટના સુરત જિલ્લામાં વધી રહેલા ગંભીર ગુનાઓની હારમાળામાં એક વધુ ઉમેરો છે.

