વેળાવદર ભાલ પોલીસે ભાવનગર-અમદાવાદ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નિરમા ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી.
તે આધારે નિરમા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. એક ફોર વ્હીલ ગાડીને રોકીને તપાસ કરતાં તેમાં ગેસ કિટ પાછળ ચોર ખાનું મળ્યું હતું. આ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુંભારવાડા વિસ્તારના સાબીર હબીબભાઈ હોથી (ઉંમર 28)ની ધરપકડ કરી છે. તેની પાસેથી મેજિક મોમેન્ટ વોડકાની 480 બોટલ મળી આવી છે. આ દારૂનો જથ્થો રૂ. 1,05,600ની કિંમતનો છે. આ ઉપરાંત મોબાઈલ, આરસી બુક અને કાર મળીને કુલ રૂ. 4,06,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો માણેકવાડી વિસ્તારના ઈમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવાએ વેચાણ માટે મંગાવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

