અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગઈકાલે 14 જાન્યુઆરીના ઉત્તરાયણની રજાના દિવસે ફ્લાવર શો જોવા સવારે 9થી રાતે 11 વાગ્યા સુધીમાં 1.01 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. એના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ છે. આજે 15 જાન્યુઆરીના રોજ પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઊમટી પડે એવી શક્યતા છે.
ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઊમટી પડી હતી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી હતી. મોડીરાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા.
રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઊભરાયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. ફ્લાવર શોની સાથે અટલબિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એક જ દિવસમાં એક લાખથી વધારે લોકો આવતાં 86 લાખની આવક થઈ હતી, જેમાં 48 લાખ રોકડ, 12 લાખ UPI અને 26 લાખ ઓનલાઇનથી આવક થઈ હતી.