Gujarat

1 કિમી 700 મીટર એપ્રોચ રોડ, 300 મીટર સીસી રોડનું કામ શરૂ, 3 માસમાં પૂરુ કરાશે

પાટડી તાલુકાના નગવાડામાં 90 લાખના એપ્રોચ અને સીસી રોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 1 કિમી 700 મીટર એપ્રોચ રોડ અને 300 મીટર સીસી રોડનું કામ આજથી શરૂ થયું અને આગામી 3 મહિનામાં પૂરુ કરાશે. જેમાં દસાડા ધારાસભ્યના વરદ હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પાટડી તાલુકાના નગવાડા ગામે કુલ 90 લાખના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતરના સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કામોનો પ્રારંભ થયો હતો. જેમાં આ વિકાસ કાર્યોમાં 85 લાખના ખર્ચે નગવાડા રિસરફેસિંગ એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે વાલ્મિકી વાસથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં ત્રિકમ સાહેબની જગ્યા તરફ જતા રસ્તા પર સીસી રોડ બનાવવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગવાડાના ગ્રામજનો અને અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ઢોલ-નગારા સાથે ધારાસભ્યનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દીકરીઓએ કુમકુમ તિલક કરીને આગેવાનોનું સન્માન કર્યું હતું.