સુરત શહેરમાં એક વખત ફરીથી જુગારીઓ પર પોલીસનો કડક પ્રહાર થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે વહેલી સવારે સગરામપુરા, ગોલકીવાડની તીન કમાન બિલ્ડિંગના ત્રીજા માળે એક ગોપનીય રેડ કરી, જ્યાં અનેક ગુનાઓમાં શામેલ કુખ્યાત નઝીર ઉર્ફે ગુરુ ફાયરીંગ જુગાર રમતો ઝડપાયો.
અત્યાર સુધી 12 ગુનાઓમાં શામેલ આ આરોપી જે હત્યા, ખંડણી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં ફસાયેલો છે તે શોખથી જુગાર રમતો પોલીસના હાથે પકડાયો.
આ રેડમાં કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્યાંથી રોકડા રૂ.2.58 લાખ, 12 મોબાઈલ ફોન, 472 જુગારના કોઈન, એલ્યુમિનિયમની પેટી, પત્તા અને ત્રણ કેટ, તેમજ રૂ.3.50 લાખની કિંમતના 5 મોપેડ મળી કુલ રૂ. 12.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
જુગારની દુનિયામાં મોટા ગુનેગારોની હાજરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા શખ્સોમાં હત્યા, ખંડણી, અને જાનલેણ હુમલાઓ જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોએ પણ ભાગ લીધો હતો, જે સુરત માટે ચોંકાવનારી બાબત છે. ખાસ કરીને નઝીર ઉર્ફે ગુરુ ફાયરીંગ (સઈદ સૈયદ)-જે સુરતના સલાબતપુરા, લીંબાયત, પુણા, અંકલેશ્વર સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ માટે કાળો રેકોર્ડ ધરાવે છે, તે આ રેડમાં જુગાર રમતો ઝડપાયો છે.
કોઈન દ્વારા જુગાર રમતા શખસો ઝડપાયા પોલીસે જાહેર કર્યું છે કે, ઝડપાયેલા અન્ય લોકોમાં કેટલાક જુગારના પુરાણાં આરોપી છે. મોહમદ અઝરૂદીન (પાલ પોલીસ સ્ટેશનમાં અગાઉ જુગાર રમતા ઝડપાયેલો), ભાવેશ ચૌહાણ (અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં જુગાર કેસમાં ઝડપાયેલો), મહેન્દ્ર પ્રજાપતિ (જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જુગાર કેસમાં ઝડપાયેલો) છે.
ગુરુ ફાયરિંગ વિરુદ્ધ 12 ગંભીર ગુના સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, નઝીર ઉર્ફે ગુરુ ફાયરિંગ વિરુદ્ધ સુરતના સલાબતપુરા, લીંબાયત, પુણા, અંકલેશ્વર, અને ક્રાઈમ બ્રાન્ચમાં હત્યા, ખંડણી, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના 12 ગુના નોંધાયેલા છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગોપનીય રીતે રેડ કરી કોઈન દ્વારા જુગાર રમતા શખસોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ઝડપાયેલા તમામ શખ્સોને કાયદેસરની કાર્યવાહી માટે હવાલાતમાં રાખવામાં આવ્યા છે.

