અમદાવાદમાં બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાએ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી ઉપર બનાવેલો રેલવે બ્રિજ પણ તકલાદી હોવાનો રેલવેના વિજિલન્સ રિપોર્ટમાં ખૂલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. એજન્સીએ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરી સ્ટીલ, સિમેન્ટ કોંક્રિટ સહિતનું મટિરિયલ યોગ્ય માત્રામાં નહીં વાપર્યું હોવાનું અને બીમ પણ ઓછી ઊંડાઇના હોવાનું બહાર આવ્યું છે. આ મામલે શિહોરી પોલીસ મથકમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં હલકી ગુણવત્તાના પાઈલ્સ (બીમ) બનાવતાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જીવને મોટું નુકસાન થાય તેવું જોખમ ઊભું કરવા સાથે રેલવેને 100 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકાયો છે. ઉલ્લેખનિય છે કે, 2023માં ઉંબરી ગામ નજીક નદીનાં પટમાં રેલવે પુલના પિલ્લર નીચેથી રેતી નીકળતાં કૌભાંડ બહાર આવ્યું હતું અને રેલવેના વિજિલન્સ વિભાગની તપાસ બાદ વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસ ચર્ચગેટ મુંબઈ દ્વારા અજય એન્જિનિયર્સ સામે FIR કરવા સૂચના આધારે અમદાવાદ ડે. ચીફ ઇજનેર અશોકકુમાર સિંગએ સોમવારે શિહોરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
બ્રિજમાં ઓછું મટિરિયલ વાપર્યું હોઇ આખે આખો બ્રિજ ગમે ત્યારે ધસી જાય પડે રાજ્યના માર્ગ-મકાન વિભાગના નિવૃત્ત અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, પાઇલના સેમ્પલમાં સામે આવેલી તમામ ક્ષતિઓનો મતલબ થાય છે કે, બ્રિજ નિર્માણમાં જરૂરિયાત કરતાં ઓછો સિમેન્ટ, સ્ટીલ અને કોંક્રિટનો ઉપયોગ કરાયો છે. જમીનની અંદર ઉતારેલા પાઇલ (બિંબ) ઓછા અને નબળાં મટિરિયલના કારણે વળી ગયા છે. બ્રિજની ડિઝાઇનમાં કરેલ છેડછાડ સાથે નબળાં બાંધકામથી બ્રિજની વજન કરવાની ક્ષમતા મૂળ હેતુથી ઓછી છે. જેના કારણે આખે આખો બ્રિજ ગમે ત્યારે ધસી જાય એટલે જોખમી કહેવાય. રેલવે બ્રિજના બીમમાં આ ક્ષતિઓ જોવા મળી :
1. પાઇલ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાતા M35 ગ્રેડના કોંક્રિટની ગુણવત્તા IS: 456 મુજબ નહોતી.
2. પાઇલમાં ટ્રેમી દ્વારા કોંક્રિટ રેડવામાં આવ્યું નહોતું, મોટા પ્રમાણમાં માટી, કાદવ અને રેતી જોવા મળી.
3. ડ્રિલિંગ મડ બેન્ટોનાઈટનો ઉપયોગ થાંભલાઓની ઊભી દીવાલોને તેના કોંક્રિટિંગ સુધી ટેકો આપવા માટે કરાયો નથી.
4. પાઇલ બોરિંગ અને કોંક્રિટિંગ પૂર્ણ કરવામાં એક દિવસ વિલંબ કર્યો, જેના કારણે ડ્રિલિંગ મડની ગેરહાજરીમાં બાજુઓમાંથી ખૂંટો પડી ગયો હતો.
5. પાઇલોની ઊંડાઈ એજન્સીને ચૂકવવામાં આવેલા જથ્થા કરતાં ઓછી જોવા મળી.
6. MS લાઇનરની ઊંડાઈ 12.3 મીટર હોવી જોઈએ, જે 10 મીટર કરતાં ઓછી જોવા મળી.
7. પાઇલમાં 10 એમએમ ડાયા રિંગ્સ જરૂરી અંતરે એકસરખું નથી.
8. પાઇલોમાં વર્ટિકલ ડેવીએશન કોડમાં નિર્ધારીત માપદંડ કરતાં વધુ હોવાનું જણાય છે.
9. પાઇલ કેપના સ્તરોને ઠીક કરવામાં યોગ્ય કાળજી લેવામાં આવી ન હતી.
10. એજન્સીને ચૂકવેલા જથ્થાની તુલનામાં સિમેન્ટ તેમજ રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલના બિલોમાં વિસંગતતા જોવા મળી.
11. એજન્સીએ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું છે અને કામના અમલ દરમિયાન માન્ય ડ્રોઇંગનું પાલન કર્યું નથી.
સને 2011માં પાટણ-ભીલડી રેલવે લાઇનનું કામ ચાલુ હોઇ ઉંબરી ગામે બનાસ નદીના પટમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા અજય એન્જિ.-ઇન્ફ્રા પ્રા.લી નામની કંપનીને અપાયો હતો. જે કામ 2013માં પૂર્ણ કરાયું હતું. જેના 10 વર્ષ બાદ ઓગસ્ટ, 2023માં બનાસ નદીમાં પૂર આવતાં રેલવે બ્રિજ ઉપરથી દબાઇ ગયો હતો. જે બાદ મુંબઇ સ્થિત વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ બાદ એપ્રિલ 2024માં રેલવે બ્રિજના પિલ્લરોની જમીનની અંદર પાઇલ ખુલ્લી થઇ ગઈ હોવાથી જુદી જુદી 11 ખામીઓ દર્શાવાઇ હતી.