Gujarat

12 બીચ પર 1640 લોકોએ 18,350 કિલો કચરો એકત્ર કર્યો, 37 નુક્કડ નાટક દ્વારા જાગૃતિ ફેલાવી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI દ્વારા #BeatPlasticPollution” થીમ હેઠળ તા. 22 મે થી તા. 5 જૂન દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું.

આ ઝૂંબેશ હેઠળ 12 જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં 1640 નાગરીકોએ સાથે મળીને 18,350 કિ. ગ્રા. કચરો એકત્રીત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો.

પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગેમી દ્વારા ગુજરાતના 12બીચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીર વગેરેનો સમાવેશ થાય છે. આ અભિયાનમાં GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોના સહયોગથી 1640 થી વધુ સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ મળીને 18350 કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને તેનો સુરક્ષિત નિકાલ કર્યો હતો.