Gujarat

ગોંડલમાં 17મી ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મંત્રી કુંવરજી બાવળીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ગોંડલમાં કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોળી સેના અને માંધાતા ગ્રુપ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શોભાયાત્રા સવારે 8 કલાકે માંધાતા પાર્ટી પ્લોટથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડૂક, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. વિશેષરૂપે અક્ષરમંદિર ગોંડલના કોઠારી સ્વામી સહિત અનેક સંતો-મહંતોએ આશીર્વચન આપ્યા હતા.

માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભૂપતભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શોભાયાત્રામાં શ્રી માંધાતાદેવ, વેલનાથ અને વીરાંગના જલકારી બાઈના જીવનચરિત્રને રજૂ કરતા સુશોભિત રથો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વિશેષ પરંપરા મુજબ, તાલુકાના દરેક પરિવાર તરફથી સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો, જે જ્ઞાતિ ભોજનમાં પીરસવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી કોળી સમાજના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માંધાતા ઉત્સવ સમિતિના પ્રમુખ હિરેન ડાભી સહિત અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.