જામનગર શહેરના વોર્ડ નં-13 વિસ્તારમાં નવા બનેલા બે નંદઘરો છેલ્લા એકાદ વર્ષથી બંધ હાલતમાં પડ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ નંદઘરો ઉપયોગમાં ન લેવાતા ધૂળખાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ આંગણવાડીના નાનાં ભુલકાઓને આરોગ્ય કેન્દ્રના એક જ રૂમમાં બેસાડવાની ફરજ પડી રહી છે. આ આરોગ્ય કેન્દ્રની હાલત પણ જર્જરિત જેવી હોવાથી બાળકોની સુરક્ષા અને આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
શહેરના નાનકપુરી, નિલકંઠનગર આરોગ્ય કેન્દ્રની પાછળ આંગણવાડીના બાળકો માટે લાખો રૂપિયાના ખર્ચે બે નવા સુવિધાસભર નંદઘરો બનાવવામાં આવ્યા છે. દેખાવમાં આકર્ષક અને સુવિધાસભર જે જોતા જ ગમી જાય તેવા નંદઘરો તૈયાર થઈ ગયા હોવા છતાં છેલ્લા એકાદ વર્ષથી બંધ છે.
કામ અધુરૂં હોવાનું કારણ આપીને નંદઘરો હજુ સુધી શરૂ કરાયા નથી. નંદઘરો તૈયાર હોવા છતાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડીના ભુલકાઓને આરોગ્ય કેન્દ્રના એક રૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે.
જ્યાં બિલ્ડીંગનો પણ અમુક હીસ્સો જર્જરિત જેવો હોવાથી અને બાળકો બેસતા ન હોય તેવા અમુક સ્થળોએ પોપડા પણ પડ્યા હતા. લાખોના ખર્ચે બનેલા નંદઘરો હાલ ધુળખાય રહ્યા છે. બન્ને આંગણવાડીમાં આવતા ભુલકાઓને આરોગ્ય કેન્દ્રમાં ફાળવાયેલા રૂમોમાં બેસાડવામાં આવે છે. તો આ આરોગ્ય કેન્દ્ર પણ રોડના કાંઠે હોવાથી અકસ્માત થવાનો પણ ભય રહે છે.

