રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને મહત્વપૂર્ણ સુવિધા મળી છે. પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
આ ઓનલાઈન ડિજિટલ સર્ટિફિકેટની માહિતી સીધી જિલ્લા તિજોરી અધિકારીને મળે છે. ફેમિલી પેન્શન મેળવનારા માટે પુનઃલગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર પણ આમાં સમાવિષ્ટ થાય છે. રાજ્ય સરકારના પેન્શનરો 31 જુલાઈ, 2025 સુધી આ સેવાનો લાભ લઈ શકે છે.

આણંદ જિલ્લામાં લગભગ 17,500 પેન્શનરો રાજ્ય સરકારનું પેન્શન મેળવે છે. જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસોમાં 274 પોસ્ટમેન અને બ્રાંચ પોસ્ટમાસ્ટર દ્વારા અત્યાર સુધીમાં 2,161 પેન્શનરોને આ સેવા પૂરી પાડવામાં આવી છે.

બોરસદ તાલુકાના વાલવોડ ગામના નિવૃત્ત શિક્ષક રાવજીભાઈ પરમાર અને ભાદરણના નિવૃત્ત શિક્ષક શંભુભાઈ વાળંદે આ સેવાને આવકારી છે. તેમના મતે, હવે બેંક કે તિજોરી કચેરી જવાની જરૂર રહેતી નથી. પોસ્ટ વિભાગના કર્મચારીઓ ઘરે આવીને ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા હયાતીની પ્રક્રિયા પૂર્ણ કરે છે.

પેન્શનધારકો નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે બ્રાંચ પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરીને 31 જુલાઈ સુધી આ મફત સેવાનો લાભ લઈ શકે છે, એમ આણંદ પોસ્ટ ડિવિઝનના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ અશોક જે. પરમારે જણાવ્યું છે.

