ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામે જંગલી પશુએ રાત્રીના સમયે માલધારીનાં ઘેટાંના વાડામાં હુમલો કરતાં એકસાથે 22 ઘેટાંના મોત નિપજ્યા માલધારી સમાજમાં તેમજ ધ્રોલ પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. તો ધ્રોલ વેટરનીટી ઓફીસર તેમજ વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને રોજકામ કરવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રોલ તાલુકાનાં ખેંગારકા ગામે રહેતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગાના વાડામાં ગત રાત્રે અચાનક કોઈ જંગલી જાનવર ત્રાટક્યું હતું. રાત્રિના ઘોર અંધારામાં આ જાનવરે વાડામાં રહેલા ઘેટાં પર હુમલો કર્યો હતો.
સવારના સમયે જ્યારે ભીખાભાઈ અને તેમના પરિવારે વાડામાં જઈને જોયું ત્યારે 20 થી 22 જેટલા ઘેટાંના મૃતદેહ જોવા મળ્યા હતા. આ ઘટના જોઈને માલધારી પરિવાર હતપ્રભ બની ગયો હતો. પશુપાલન કરી ગુજરાન ચલાવતા માલધારી પરિવાર માટે એકસાથે 22 ઘેટાંના મોતનાં બનાવથી આઘાત સાથે આર્થિક નુકસાન પણ થયું છે.

