અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત દીવાન-બલ્લુભાઈની આઠ શાળાઓનો ચોથો રમતોત્સવ ‘Just Win! 2025’ યોજાયો હતો. બે દિવસીય આ કાર્યક્રમમાં કાંકરિયા, રાજનગર અને પાલડી સ્થિત ગુજરાતી-અંગ્રેજી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રમતોત્સવના ઉદઘાટન સમારોહમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા મુખ્ય ઉદઘાટક તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલ રાજપૂત, શાળા ટ્રસ્ટના ચેરમેન ડૉ. હેમાંગ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભ ઠાકોર, ટ્રસ્ટીઓ અરુણ ચતુર્વેદી, કૌશલ ઠાકોર, વૈશલ ઠાકોર અને ડૉ. સિરાલી મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં આઠેય શાળાઓમાંથી પસંદ કરાયેલા કુલ 1724 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઍથ્લેટિક્સ, ટીમ ગેમ્સ અને કુશળતા આધારિત 20થી વધુ રમતોમાં ખેલાડીઓએ પોતાની રમતગમતની કુશળતા, ટીમ સ્પિરિટ અને રમતસંસ્કૃતિના મૂલ્યોનું પ્રદર્શન કર્યું હતું.

રમતોત્સવને સફળ બનાવવા માટે આઠેય શાળાના આચાર્યો, કો-ઓર્ડિનેટરો, વ્યાયામ શિક્ષકો, તમામ કર્મચારીઓ અને સેવક ભાઈઓ-બહેનોએ સક્રિય યોગદાન આપ્યું હતું. તેમનો સંકલિત પ્રયાસ અને સમર્પણ આ કાર્યક્રમની સફળતાનો મુખ્ય આધાર બન્યા હતા. રમતોત્સવના સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને કુલ 690 મેડલ, 23 ટ્રૉફી અને 1724 પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાળકોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવામાં સફળ રહ્યો.

