ગુજરાત પોલીસ વડાના 100 કલાકના અલ્ટીમેટમ બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત ગોંડલ શહેરમાં બી ડિવિઝન પોલીસ અને પીજીવીસીએલના સ્ટાફે વોરાકોટડા રોડ પર સંયુક્ત કાર્યવાહી કરી હતી.

ચિસ્તિયા મસ્જિદ સામે આવેલા એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શનની તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી. મકાનમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 1336 બોટલો મળી આવી હતી. કુલ રૂ. 5,42,632ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે મકાનમાં દારૂનો જથ્થો રાખનાર ઇરફાન ઉર્ફે ઇકુ હસન કટારીયા ફરાર થઈ ગયો છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. પીજીવીસીએલએ પણ ગેરકાયદેસર વીજ જોડાણ માટે દંડની કાર્યવાહી કરી છે.

દરમિયાન, ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા એ અને બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા મોડી રાત્રે વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વગર લાઇસન્સે વાહન ચલાવતા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

