Gujarat

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી રાજકોટના ડોક્ટર સાથે 51 લાખની ઠગાઈ

રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અટલ સરોવર સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો. ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.26)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.50.75 લાખ પડાવી લીધા છે. બનાવ અંગે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરી અપાવવા લાલચ આપી ફરિયાદમાં ડો. ચિન્મય ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. હાલ ઓનલાઈન એએમસી પરીક્ષાના કલાસ ચલાવું છું. આગળ નોકરી માટે ઓસ્ટ્રેલિયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-2025 ડ્રીમ કમ ટુ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું.

જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે એડ આવી હતી. જેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતાં તેને હોસ્પિટલ વિશે બધી માહિતી આપી ડોક્યુમેન્ટસ મગાવ્યા હતા. જેની ફી પેટે 2100 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.1.20 લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો. તેમા જણાવેલી તમામ ફી 28,400 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.16.50 લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્કર કર્યા હતા.