રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળશે. આ બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોને સ્પર્શતી કુલ 76 દરખાસ્તો પર વિચારણા કરવામાં આવશે.
આ દરખાસ્તોમાં શાક માર્કેટના થડાના ભાડા વધારવાથી લઈને નવા બોર બનાવવાની, પાર્ટી પ્લોટના નિર્માણ અને ઐતિહાસિક શાળાના નવીનીકરણ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે RMC દ્વારા સંચાલિત શહેરના જુદા જુદા શાક માર્કેટ, ફ્લાવર માર્કેટ અને ખડપીઠના થડાના માસિક ભાડામાં વધારો સૂચવવામાં આવ્યો છે.
છેલ્લા નવ વર્ષથી ₹500 ચાલી આવતા આ ભાડાને વધારીને ₹1000 કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત, દર મહિને ₹500 સફાઈ ચાર્જ પણ લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, સ્ટાફ, મેન્ટેનન્સ, રિપેરિંગ, લાઇટ બિલ, સિક્યોરિટી અને સફાઈ જેવા ખર્ચાઓને પહોંચી વળવા આ વધારો અનિવાર્ય છે. આવતીકાલે આ દરખાસ્ત પર અંતિમ નિર્ણય લેવાશે.
શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે મહત્ત્વપૂર્ણ યોજના હાથ ધરવામાં આવશે. RMC દ્વારા જનભાગીદારી યોજના હેઠળ ₹1.6 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડર પ્રક્રિયામાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની ઓફર (GST સહિત ₹1.99 કરોડ) સ્વીકારવામાં આવી છે. આ કાર્ય મંજૂર થતાં જ ચોમાસામાં બોર અને બોર રિચાર્જ સિસ્ટમના કામો શરૂ થવાની શક્યતા છે, જે શહેરના જળસ્તરને સુધારવામાં મદદરૂપ થશે.

