Gujarat

મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા 35 વર્ષીય યુવકને ટ્રકે કચડ્યો, ચાલક સામે ગુનો દાખલ

દહેગામના સાત ગરનાળા વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત નિપજ્યું છે. મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા નરેશ ઠાકોર રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે ટેક્સટાઈલ ત્રણ રસ્તા તરફથી આવેલા એક ટ્રેલર ટ્રકે તેમને અડફેટે લીધા હતા.

ઘટના અનુસાર, નરેશ ઠાકોર તેમના ભાઈ જગદીશ સાથે બાઈક પર આવ્યા હતા અને લીલાબેન રાજુભાઈ ઠાકોર સાથે સોનારડા જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન, ટ્રેલર ટ્રકના ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા નહેરૂ ચોકડી તરફ વળતી વખતે નરેશને ટક્કર મારી હતી. અકસ્માતમાં નરેશ નીચે પડી ગયા અને ટ્રકનું ટાયર તેમના જમણા હાથ અને શરીર પરથી ફરી વળ્યું હતું.

ગંભીર ઈજાઓ અને વધુ રક્તસ્ત્રાવને કારણે નરેશને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. છેલ્લા દસ વર્ષથી ભાઈઓ સાથે મળીને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા અપરિણીત નરેશના અકાળ અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. દહેગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીનલ મહંત અને તેમની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.