Gujarat

જામનગરમાં દૂધ વિતરણ કરતા 50 વર્ષીય રિક્ષા ચાલકનું ચાલુ વાહનમાં મોત

જામનગરના ધરાનગર વિસ્તારમાં આજે સવારે એક દુઃખદ ઘટના બની છે. દૂધ વિતરણ કરતા સમયે 50 વર્ષીય રિક્ષા ચાલકનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ સંધિ રોજની જેમ તેમની રિક્ષા છકડામાં દૂધ આપવા નીકળ્યા હતા.

આ દરમિયાન તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેઓ ચાલુ રિક્ષામાંથી નીચે પટકાયા હતા. રિક્ષા છકડો આગળ જઈને થંભી ગયો હતો. ઘટના સ્થળે જ ઈસ્માઈલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

આસપાસના વિસ્તારના લોકો તરત જ ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઇસ્માઈલભાઈના મૃતદેહનો કબજો સંભાળી લીધો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.