Gujarat

8000થી વધુ લોકોની હાજરીમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોનું સન્માન, રક્તદાન કેમ્પ અને લોક ડાયરો યોજાયો

ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે શ્રી બારૈયા પરિવારના સુરાપુરા દાદાના પરિસરમાં 20મું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદારની વિવિધ સંસ્થાઓ જેવી કે સિદસર, ઉમિયાધામ, સંસ્કારધામ, સમૂહલગ્ન સમિતિ અને સૌરાષ્ટ્ર વિશ્વ ફાઉન્ડેશન કન્યા કેળવણી મંડળના પ્રમુખ સેવકોનું સન્માન કરવામાં આવ્યું. સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો, ઉમિયા ધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ બારૈયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું, જ્યારે ઓમા બારૈયાએ યુવાનોને સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવવાની અપીલ કરી. સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ પરિવારના દરેક સભ્યને ડિજિટલ માધ્યમથી એક રૂપિયો જમા કરાવવાનું સૂચન કર્યું, જેથી આવનારી પેઢી માટે મોટું ભંડોળ એકત્રિત થઈ શકે.

કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ અને રાત્રે લોક ડાયરો પણ યોજાયો હતો. આ પ્રસંગે 8 હજારથી વધુ લોકોએ હાજરી આપી અને મહાપ્રસાદનો લાભ લીધો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પદાધિકારીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.