જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની સીમમા પોલીસે બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડયો હતો. અહી અવાવરૂ જગ્યામા પોલીસે દારૂની ભઠ્ઠી ઝડપી લઇ એક લાખનો મુદામાલ કબજે લીધો હતો.
જિલ્લા પોલીસવડાની સુચના અને એએસપી વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ચાવડા સહિત ટીમે મોટા માણસા ગામની સીમમા નદીની અવાવરૂ જગ્યામા દરોડો પાડયો હતો.
પોલીસને અહીથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે અહીથી 91 લીટર દેશી દારૂ, ગરમ આથો, ગેસના પાંચ સિલીન્ડર, 10 અખાદ્ય ગોળના ડબ્બા મળી કુલ રૂપિયા 1,01,240નો મુદામાલ કબજે લીધો હતો.
પોલીસે વડલીના મહેશ ઉર્ફે મયલો વિરાભાઇ બારૈયા નામના શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. પીએસઆઇ પી.બી.ચાવડા, એએસઆઇ એન.આર.પટેલ, કે.આર.બાંભણીયા, મિતેશભાઇ વાળા, મનીષભાઇ દીહોરા, કિશનભાઇ શિયાળ વિગેરેએ આ કામગીરી કરી હતી.

