Gujarat

કડોદરામાં થર્મોકોલ ગોડાઉનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી લાગી, ફેક્ટરી પણ ઝપેટમાં

સુરત જિલ્લાના કડોદરામાં આવેલા એક થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની બાજુમાં આવેલું લેથ મશીનોનું કારખાનું પણ તેની ઝપેટમાં આવી ગયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. થર્મોકોલના દાણા હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેણે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનની બાજુમાં જ વીજ થાંભલો હોવાથી વધુ શોર્ટ સર્કિટ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતા બારડોલી, પલસાણા અને કડોદરાની ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આગને કારણે 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક વ્યવહાર પણ જામ થઈ ગયો હતો. નોંધનીય છે કે આ જ ગોડાઉનમાં આગ લાગવાની આ બીજી ઘટના છે.