ગોંડલના કોલેજ ચોકમાં મકરસંક્રાંતિના દિવસે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર હાઇડ્રોજન ગેસથી ફુગ્ગા ભરતી વખતે અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજ ચોકમાં નગરપાલિકાના સર્કલની અંદર કેટલાક વેપારીઓ પાથરણા પાથરીને ગેસવાળા ફુગ્ગાનું વેચાણ કરી રહ્યા હતા. આગ લાગવાથી હાઇડ્રોજન ગેસના બાટલા અને પ્લાસ્ટિકના ફુગ્ગા બળી ગયા હતા.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/01/14/44822382-bed3-4c65-a462-fbaf2c239204_1736835387369.jpg)
આગ લાગતાં જ વેપારીઓ ગેસના બાટલા લઈને ભાગી ગયા હતા. ઘટનાને કારણે કોલેજ ચોક વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/01/14/ad17ea6e-9ad2-4ee1-951c-efbd303a176f_1736835387375.jpg)
ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક તંત્રની બેદરકારી છતી કરી છે, કારણ કે જાહેર રસ્તા પર વિના પરવાનગીએ હાઈડ્રોજન જેવા જોખમી ગેસનો ઉપયોગ થઈ રહ્યો હતો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉઠ્યા છે. હવે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.