પ્રસૂતિમાં સમસ્યા ન થાય, તે માટે મહિલાનું હીમોગ્લોબીન વધારવાનો સફળ પ્રયાસ
અંધશ્રદ્ધામાં માનતા પતિનું કાઉન્સેલીંગ કરીને સગર્ભાની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે સમજાવ્યા
રાજકોટ જિલ્લાના જસદણ મુકામે ભડલી રોડ પર ભાદર કિનારા પર નાની એવી ઝુપડીમાં રહેતા ૩૫ વર્ષીય શ્રી નકુમબેન વેલસીભાઇ સોલંકીને સાતમી સુવાવડની જોખમી પરિસ્થિતિમાંથી આરોગ્ય વિભાગની ટીમે સમયસરની સમજાવટભરી સારવારથી સફળ રીતે ઉગાર્યા છે.
નકુમબેનને સંતાનમાં ૪ દિકરી, ૧ દીકરો છે અને અન્ય ૧ દીકરાનું ડીલીવરી બાદ મૃત્યુ થયું હતું. આમ, શ્રી નકુમબેને અગાઉ કુલ ૬ ડીલીવરી થઇ હતી. તેમને સગર્ભા અવસ્થામાં નવમો માસ ચાલતો હતો અને તેમનું વજન ૩૮ કિલોગ્રામ હતું. તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ તેમનું હીમોગ્લોબીન ૮.૨ ગ્રામ હતું. આશાબહેનશ્રી કસ્તુરીબેન દુધરેજીયા તથા એફ.એચ.ડબલ્યુ.શ્રી કૃપાબેન વાઘેલા દ્વારા સારવાર દરમિયાન નિયમિત ફોલીક એસીડ અને કેલ્શિયમ આપવાથી હીમોગ્લોબીન વધીને ૧૦.૩ ગ્રામ થઈ ગયું હતું અને સગર્ભાએ ધનુરનાં બુસ્ટર ઇન્જેકશન્સ પણ લઇ લીધા હતા. સગર્ભાનું સમયાંતરે સુપરવિઝન કરાતું હતું.
તા. ૦૩ જાન્યુઆરી, ૨૦૨૫નાં રોજ રાજકોટમાં જનાના હોસ્પિટલ ખાતે લઇ જવા માટે સગર્ભાને બોલાવ્યા હતા. પરંતુ તેમના પતિ શ્રી વેલસીભાઈ જિદ્દી સ્વભાવ ધરાવે છે, સતત નશામાં રહેવાનાં કારણે પાગલ જેવું જીવન જીવે છે અને અંધશ્રદ્ધામાં માનવાવાળા છે. તેથી, તેમણે કહ્યું કે રાજકોટ નથી જવું, અમારા માતાજી ઘરે જ બધું સારૂ કરી દેશે. ત્યાર બાદ અર્બન હેલ્થ ઓફિસરશ્રી ડો. આરતી ગોહેલ તથા એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ., આશા બહેન, તાલુકા હેલ્થ સુપરવાઇઝરે ઘરે જઈને તેમનું કાઉન્સેલીંગ કર્યું હતું. છતાં પણ તેમના પતિ હોસ્પિટલ ખાતે ડીલિવરી કરવા તૈયાર ન થયા. આથી, તાલુકા એસ.બી.સી.સી. ટીમના સભ્યોએ ઘરે મુલાકાત લીધી. તેમના ભાઇ-સાસુ અલગ રહેતા હોવાથી તેમના ઘરે પણ ટીમે મુલાકાત લીધી. પરંતુ શ્રી વેલસીભાઈ કશું માનવા તૈયાર ન હતા.
ટીમે તાલુકા હેલ્થ ઓફિસર પાસે રૂબરૂ જઈને સમગ્ર કિસ્સો જણાવ્યો. તેમના માર્દર્શન મુજબ શ્રી દિપુભાઈ વાઘેલા, અન્ય એક અગ્રણી તથા કન્યા શાળાનાં શિક્ષકે સગર્ભા અને તેના પતિને મળીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. શ્રી વેલસીભાઈએ આશાબહેનની જ્ઞાતિ અને પગાર બાબતે ભળતી વાતો કરી. ત્યારે તેમને સમજાવ્યું કે તમારા મનમાં ખોટી માહિતી રહેલી છે. ટીમે શ્રી વેલસીભાઈની ગેરમાન્યતા દૂર કરીને, તેમને સરકારી યોજનાઓની જાણકારી આપી. આખરે તા. ૦૪ જાન્યુઆરી, ૨૦૨૫નાં રોજ આશાબહેન સાથે સગર્ભા માતાને સરકારી એમ્બ્યુલન્સમાં જનાના હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.
તા. ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫નાં રોજ શ્રી નકુમબેને સવારે ૦૫.૩૦ કલાકે દીકરીને જન્મ આપ્યો. આશાબહેનશ્રી કસ્તુરીબેન દુધરેજીયા તેમની સાથે ખડેપગે હાજર રહ્યા હતા. જસદણ અર્બન હેલ્થ સેન્ટર અને એસ.બી.સી.સી. ટીમનાં સભ્યોની મહેનત રંગ લાવી. હાલ માતા અને સંતાન સંપર્ણ તંદુરસ્ત છે અને આરોગ્યલક્ષી જોખમમાંથી બહાર છે અને બંનેની તબીયત સારી છે. આમ, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાળી તેમજ આર.સી.એચ.ઓ.શ્રી ડો. પરેશ જોશીના માર્ગદર્ન હેઠળ જસદણ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સહિત સમગ્ર આરોગ્યની ટીમ ઉતમ અને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સરાહનીય કામગીરી કરી છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે, પુરુષોમાં ૧૩-૧૪ ગ્રામથી વધુ અને સ્ત્રીઓમાં ૧૨-૧૩ ગ્રામથી વધુ હીમોગ્લોબીન હોવુ જોઇએ. જો સ્ત્રીઓમાં ૧૨ ગ્રામથી ઓછું હીમોગ્લોબીન હોય તો તેને શ્વાસ ચડે, થાક લાગે, ચક્કર આવે તેમજ વારંવાર બીમારી આવી શકે છે. જો સગર્ભા માતાના શરીરમાં હીમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય તો ડીલીવરી કોમ્લીકેટેડ બની શકે છે. પ્રસૂતિ સમયે હેમરેજીક ડીસીઝ થઇ શકે છે, સગર્ભા માતા કોમામાં જઇ શકે છે, બાળક ઓછું વજન ધરાવતું અથવા ડીફેક્ટીવ જન્મી શકે, અમુક કિસ્સાઓમાં માતા અથવા બાળક અથવા બંનેનું મૃત્યુ પણ થઇ શકે છે. આથી, સમયસ૨ ઈલાજ અને સારવાર કરવી જરૂરી છે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.