Gujarat

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય કમિટીની રચના કરાશે : કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી પાકની ગુણવત્તા જોઈને થયા પ્રભાવિત

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેઓ પાકની ઉત્તમ ગુણવત્તા અને અત્યંત નરમ અને ફળદ્રુપ માટી જોઈને પ્રભાવિત થયા હતા. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અવસરે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને મોનિટરિંગ માટે રાષ્ટ્રીય કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યસ્તરે પણ કમિટીઓ રચાશે, જે ડીડીઓ મારફતે પ્રાકૃતિક કૃષિની પ્રગતિનો રિપોર્ટ સરકાર સુધી પહોંચાડશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, “રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયેલું પ્રાકૃતિક કૃષિ મિશન હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન તરીકે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ અભિયાન દ્વારા દેશનો ખેડૂત માત્ર આર્થિક રીતે સમૃદ્ધ નહીં બને, પરંતુ ભૂમિની ફળદ્રુપતામાં સુધારો, મિત્રજીવોનું સંરક્ષણ અને ૫૦ ટકા સુધી પાણીની બચત શક્ય થશે.”

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ મૉડલ તરીકે સ્થાપિત કરવા બદલ ‘કૃષિ ઋષિ’ની ઉપાધિથી સન્માનિત કરતાં કહ્યું કે, “આચાર્ય દેવવ્રતજી માનવતાના હિતમાં પ્રાકૃતિક ખેતીને મિશન તરીકે આગળ વધારી છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ શક્ય બન્યો છે.”
મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ફાર્મમાં ઘઉં, ચણા, ગોળ અને સરસવની મિશ્રિત ખેતી પદ્ધતિ જોઈ, તેની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતાની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આ પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓના ઉપયોગ વિના પણ શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી શકાય છે.

મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન અને ખજુરની બાગાયતી જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હરિયાણાની જમીન પર સફરજન અને ખજુરની ખેતીની કલ્પના પણ કરી શકાય નહીં, પરંતુ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આ અદ્ભુત કાર્ય શક્ય બન્યું છે.ગુરુકુલ ફાર્મના ક્રેશર પર શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને શ્રી આચાર્ય દેવવ્રતજીએ જાતે શેરડી પિલીને ત્યાં ગોળ, ખાંડ અને ખાંડસારી બનાવવાની પારંપરિક પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગરમ ગોળનો સ્વાદ માણીને તેની શુદ્ધતા અને ગુણવત્તાની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે હરિયાણાના કૃષિ મંત્રી શ્રી શ્યામસિંહ રાણા, કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી ડૉ. મનીંદર કૌર દ્વિવેદી, જોઈન્ટ સેક્રેટરી ફ્રેન્કલિન એલ. ખોબાંગ, પૂર્ણચંદ્ર કૃષ્ણ, ડિપ્યુટી સેક્રેટરી રચના કુમાર, ડૉ. ગગનેશ શર્મા, જાણીતા પ્રાકૃતિક કૃષિ વિશેષજ્ઞ ડૉ. હરીઓમ, ડૉ. બલજીત સહારણ, ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ વિશેષજ્ઞો હાજર રહ્યા હતા. મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ગુરુકુલ પહોંચતાં શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગ, ઉપપ્રમુખ મા. સતપાલ કામ્બોજ, નિર્દેશક બ્રિ. ડૉ. પ્રવીણ શર્મા, ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ડૉ. હરીઓમ, ડૉ. બલજીત સહારણ, રામનિવાસ આર્ય આદિએ મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.