જામનગરના બેડીગેટ વિસ્તારમાં 28 વર્ષથી યોજાતા દગડુશેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં આ વર્ષે અનોખી પહેલ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે નવ પ્રકારના તેલીબિયાનો ઉપયોગ કરી ગણપતિની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
મૂર્તિ બનાવવામાં સોયાબીન, મકાઈ, સરસવ, તલ, એરંડા, કપાસ, રાયડો, સીંગદાણા અને સૂર્યમુખીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલ વપરાશ 10% ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા આ અભિનવ પ્રયોગ કરાયો છે.

એઈટ વન્ડર્સ ગ્રુપના આયોજકો 30 ઓગસ્ટના રોજ ગણેશજીને સૌથી વધુ મુગટ પહેરાવી નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ગ્રુપે અગાઉ આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, જેમાં 146 કિલોની ભાખરી, 11,111 લાડુ, 51 ફૂટની અગરબત્તી, ફિંગર પેઈન્ટિંગથી ગણેશજીની રચના અને સાત ધાનનો ખીચડો જેવા વિશિષ્ટ રેકોર્ડ્સનો સમાવેશ થાય છે.