શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસમેન સાત દિવસથી ઘરે કહ્યાં વગર ભાગી ગયા હતા, મહિલા કોન્સ્ટેબલનો પોલીસમેન ભાઇ અને તેના પરિચિત પીએસઆઇએ બહેનને ભગાડી કોન્સ્ટેબલને શોધવા તેના પોલીસમેન મિત્ર પર હિચકારો હુમલો કર્યો હતો.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર થતાં દેકારો મચી ગયો હતો, જોકે પોલીસે સમાધાન થઇ ગયું હોય ફરિયાદ નહીં નોંધ્યાનું કહી આશ્ચર્ય સર્જયું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જીત પાઠક અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજલ ગઢવી સાતેક દિવસથી પોતપોતાના ઘરેથી નીકળી ગયા હતા, રાજલના પરિવારજનોએ તપાસ કરતાં રાજલ કોન્સ્ટેબલ જીત પાઠક સાથે નીકળ્યાની શંકા દૃઢ બની હતી. જોકે બંનેના મોબાઇલ બંધ હોવાથી લોકેશન મેળવવામાં સફળતા મળી નહોતી.
કોન્સ્ટેબલ જીત પાઠકના ખાસ મિત્ર માલવિયાનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જય રંગાણી બંને ક્યાં ભાગ્યા હશે તે વાતથી વાકેફ હશે તેવી દ્દઢ શંકા રાજલ ગઢવીના ભાઇ ખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ આશિષ ગઢવીને જતાં તેણે જીતને આગવી સ્ટાઇલથી ટ્રીટ કરવાનું નક્કી કર્યું હતું.
ગત તા.30ના કોન્સ્ટેબલ આશિષ ગઢવી અને ગોંડલ એસઆરપીમાં ફરજ બજાવતા પીએસઆઇ ધામેલિયા રાજકોટ આવ્યા હતા અને તેમણે પોતાના બે પરિચિત યોગી અને નંદને માલવિયાના કોન્સ્ટેબલ જય રંગાણીની શોધખોળ શરૂ કરી હતી.