Gujarat

મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ કાયદા અંગે સેમિનાર યોજાયો

બનાસકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત કર્મયોગી દિવસ થીમ પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત હોલ પાલનપુર ખાતે યોજાયેલા આ સેમિનારમાં મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી (પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013 અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીઓમાં કાર્યરત મહિલા કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સેમિનારમાં મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અને હક્કો વિશે માહિતી આપવામાં આવી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો. સાથે જ મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો.