નંદેસરીમાં વાહનની ટક્કરે ફંગોળાયેલો યુવક શર્ટના સહારે ટીંગાયો; રાહદારીઓએ ભેગા મળીને યુવકને ઉગારી લીધો
વડોદરાના નંદેસરી બ્રિજ પરથી પસાર થતા યુવકને અજાણ્યા વાહનની ટક્કર લાગતા તે ફંગોળાયો હતો. બાદમાં યુવક ઉછળીને થાંભલામાં શર્ટ ના સહારે ૨૦ ફૂટ ઉંચાઇએ ટીંગાયો હતો. ઘટના બાદ તુરંત નજીકના રાહદારીઓ દોડી આવ્યા હતા, અને મળીને યુવકને બચાવ્યો હતો. શર્ટ થાંભલામાં ફસાઇ જવાના કારણે જીવ બચ્યો હોવાની ઘટના પંથકમાં વાયુવેગે ફેલાઇ છે. અને લોકોમાં ફરી એક વખત રામ રાખે તેને કોણ ચાખે વાતને યાદ કરી રહ્યા છે.
નંદેસરી બ્રિજ પરથી અડાસ ગામનો ૨૦ વર્ષિય યુવક સિદ્ધરાજસિંહ પોતાનું મોપેડ લઇને જઇ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવક ફંગોળાયો હતો. યુવક ફંગોળાઇને બ્રિજની બાજુમાં લગાવેલા થાંભલામાં તેના શર્ટના સહારે ટીંગાઇ રહ્યો હતો. શર્ટ થાંભલામાં ફસાઇ જતા યુવક સીધો નીચે પટકાતા બચ્યો હતો. ઘટના સમયે હાજર રાહદારીઓ દ્વારા ભેગા મળીને યુવકને બચાવી લીધો હતો.
આ ઘટનામાં શર્ટ થાંભલામાં ફસાઇ જતા ૨૦ ફૂટ ઉંચે લટકેલા યુવકનો બચાવ થયો હતો. બાદમાં તેને સ્થાનિકો દ્વારા ઉગારી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને નાની-મોટી ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડી લેવામાં આવ્યો હતો.

